અમદાવાદના ગોતામાં હિટ એન્ડ રન, બેફામ કારે ત્રણ યુવકને અડફેટે લીધા

અમદાવાદમાં બેફામ વાહનહંકારતા ચાલકોનો આતંક યથાવત્ છે, ત્યારે ગોતા રોડ પર એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. 22મી ઓગસ્ટની રાતે વોડાફોન ટાવર નજીક સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલા એક એક્ટિવાને સામેથી આવી રહેલી પૂરપાટ ઝડપે દોડતી કારે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા પર સવાર ત્રણ મિત્રો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. અકસ્માત સર્જ્યા બાદ કારનો ચાલક ઉભા રહેવાને બદલે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
ગોતા વિસ્તારમાં જ રહેતો અને કપડાંનો વેપાર કરતો શૈલેષ યાદવ તેના બે મિત્રો શિવમ અને વિપિન સાથે છારોડીથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે, જેમાં કાર ચાલકની ગંભીર બેદરકારી જોઈ શકાય છે. આ જીવલેણ ટક્કરમાં શૈલેષ અને તેના મિત્ર વિપિનને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આટલો અકસ્માત થયો હોવા છતાં પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હોવા છતાં બીજા દિવસ સુધી એસ.જી-1 પોલીસને આ અંગે કોઈ જ જાણકારી ન હતી. આખરે જ્યારે પોલીસને સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે તેમણે ઈજાગ્રસ્ત યુવકોનો સંપર્ક કર્યો હતો અને અકસ્માતના 24 કલાક બાદ ફરિયાદ નોંધી હતી. હાલ પોલીસે ગુનો નોંધીને ફરાર કાર ચાલકને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.

