'ડ્રેસકોડ ફરજિયાત....', વર્ચ્યુઅલ સુનાવણીમાં અશિષ્ટ વર્તન બદલ હાઇકોર્ટે જાહેર કરી નવી SOP

ગુજરાત હાઇકોર્ટે વારંવાર અશિષ્ટ વર્તનની ઘટનાઓ બાદ વર્ચ્યુઅલ સુનાવણી માટે નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરી છે. આ નિયમોનો હેતુ ઓનલાઇન સુનાવણીમાં શિષ્ટાચાર અને વ્યવસ્થા જાળવવાનો છે. નવી એસઓપી અનુસાર, વર્ચ્યુઅલ સુનાવણીમાં જોડાવા ઇચ્છતા વકીલો અને પક્ષકારોએ ચોક્કસ નામ અને વિગતો દર્શાવવાની રહેશે. કોર્ટ માસ્ટર આ વિગતોની ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ આપશે. હાઇબ્રિડ સુનાવણીમાં સીધો પ્રવેશ મળશે નહી, અને કોર્ટ માસ્ટર વેઇટિંગ રૂમમાંથી વ્યક્તિઓને વર્ચ્યુઅલ સુનાવણીમાં જોડશે.
ડ્રેસકોડનું પાલન ન કરનાર વકીલના સુનાવણીના અધિકારો રદ્દ થશે
નિયમોમાં વકીલો માટે ડ્રેસકોડ ફરજિયાત છે, અને તેનું પાલન ન કરનાર વકીલના સુનાવણીના અધિકારો રદ્દ થશે. પક્ષકારોએ પણ યોગ્ય પોશાક પહેરવો પડશે. હાઇકોર્ટની લાઇવ સ્ટ્રીમિંગ કાર્યવાહીનું રેકોર્ડિંગ નિયમો મુજબ પ્રતિબંધિત છે. આ નિયમોનો હેતુ ઓનલાઇન સુનાવણીને વધુ વ્યવસ્થિત અને શિષ્ટ બનાવવાનો છે. આ પગલાંથી હાઇકોર્ટે ડિજિટલ પ્લેટફોર્મ પર ન્યાયિક કાર્યવાહીની ગરિમા જાળવવાનો પ્રયાસ કર્યો છે.

