અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદનું એલર્ટ, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

અમદાવાદ: રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ હાલ ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શીયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઓફશોર ટ્રફ સક્રિય હોવાથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે આવતીકાલે અમદાવાદ, બોટાદ, જામનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદમાં 8 ઇંચથી વધુ વરસાદ પડી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે, જ્યારે નર્મદા જિલ્લામાં 12 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 1 ઓગસ્ટના રોજ પણ અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને આણંદ જિલ્લામાં રેડ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને પવનની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. રાજ્યના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને નદીઓ-નાળાઓમાં જળસ્તર વધવાની શક્યતા હોવાથી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે લોકોને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા, નદી-નાળાઓથી દૂર રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

