અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું જપ્ત, હાઈ નેક સ્વેટરમાં છુપાવી હતી ચેઈન

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટો સપાટો બોલાવીને શારજાહથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી રૂપિયા ૮૩.૧૪ લાખની કિંમતનું ૨૪ કેરેટનું સોનું ઝડપી પાડ્યું છે. મહિલાએ કસ્ટમ્સની નજરથી બચવા માટે પોતાના હાઈ-નેક સ્વેટરમાં ૪૯૯.૫૪૦ ગ્રામ વજન ધરાવતી સોનાની ચેઈન ચાલાકીપૂર્વક છુપાવી રાખી હતી.
મહિલા મુસાફર જામીન પર મુક્ત
ગુપ્ત બાતમી અને શંકાસ્પદ હિલચાલના આધારે કસ્ટમ્સ અધિકારીઓએ ગંભીરતાથી તપાસ કરતા સ્વેટરમાંથી આ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. કસ્ટમ્સ વિભાગે વિદેશથી થતી સોનાની સ્મગલિંગના આ પ્રયાસને નિષ્ફળ બનાવી મહિલા મુસાફીની તાત્કાલિક અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ મહિલા મુસાફરને જામીન પર મુક્ત કરવામાં આવી છે, જ્યારે આ સ્મગલિંગ રેકેટ પાછળ અન્ય કોણ સંકળાયેલું છે તે દિશામાં કસ્ટમ્સ વિભાગે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

