કચરો ફેંકવા નીકળેલી મહિલા પર જર્મન શેફર્ડે કર્યો હુમલો, ગંભીર ઈજાઓ પહોંચાડતા શ્વાન માલિક સામે પોલીસ ફરિયાદ

અમદાવાદના વસ્ત્રાલમાં હરભોળાપાર્ક વિભાગ-2માં 4 સપ્ટેમ્બરની સાંજે કચરો ફેંકવા નીકળેલી 54 વર્ષીય મહિલા પર પાડોશીના પાલતુ જર્મન શેફર્ડ શ્વાને અચાનક હુમલો કરી હાથમાં બચકું ભરી લેતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અગાઉ પણ આ જ શ્વાન હુમલો કરી ચૂક્યો હોવા છતાં કોઈ તકેદારી ન રાખી ઝાંપો ખુલ્લો મુકનાર મહિલા માલિક વિરુદ્ધ રામોલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
વસ્ત્રાલ સ્થિત હરભોળાપાર્ક વિભાગ-2માં રહેતા 54 વર્ષીય કપીલાબેન પ્રજાપતિ ગત 4 સપ્ટેમ્બરે સાંજના સમયે ઘરમાં કચરો વાળીને બહાર ફેંકવા ઝાંપા બહાર નીકળ્યા હતા. તે દરમિયાન પાડોશમાં રહેતા ધર્મીષ્ઠાબેન પ્રજાપતિનું પાલતુ જર્મન શેફર્ડ શ્વાન ધસી આવ્યું હતું અને કપિલાબેનના હાથમાં બચકું ભરી લીધું હતું. અચાનક થયેલા હુમલાથી આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં કપિલાબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
ધર્મીષ્ઠાબેનના આ પાલતુ શ્વાને આજથી ચાર મહિના પહેલાં પણ આ જ મહિલા પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવ બાદ પણ શ્વાન માલિકે તેને બાંધી રાખવા કે સુરક્ષા સંબંધિત કોઈ પગલાં લીધા નહોતા અને સોસાયટીમાં ઝાંપો ખુલ્લો રાખી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ મામલે કપિલાબેને રામોલ પોલીસ સ્ટેશનમાં ધર્મીષ્ઠાબેન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

