અમદાવાદમાં બાળકની ચોરીનો ભેદ ઉકેલાયો; નિઃસંતાન દંપતિને 20 લાખમાં વેચવાનું હતું, 2 સગીર સહિત 4 પકડાયા

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં તળાવ પાસે ફૂટપાથ પર સૂતા શ્રમજીવી પરિવારનું 37 દિવસનું બાળક ચોરાઈ જવાના કેસમાં પોલીસે બે સગીર સહિત કુલ ચાર આરોપીની ધરપકડ કરી છે. 2 ઓક્ટોબરે રાત્રે 2 વાગ્યે બાળક ચોરાયું હતું. દંપતીને સવારે 3:15 વાગ્યે બાળક ગાયબ હોવાની જાણ થઈ અને તરત પોલીસને જાણ કરી હતી. આ ઘટનાના 38 કલાક બાદ એટલે કે 3 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યે તે વિસ્તારના એક તળાવ પાસેથી હેમખેમ મળી આવ્યું હતું. જે બાદ માતાના જીવમાં જીવ આવ્યો હતો અને પોતાનું વ્હાલસોયુ પાછું મળતા હરખના આંસુ અને ખુશી જોવા મળી હતી. સમગ્ર કેસની તપાસમાં મોટા બાળતસ્કરી રેકેટનો ખુલાસો થયો છે.
આરોપી યુવતી જીનલ પરમારની ધરપકડ
બાળક ચોરીની ઘટનાની જાણ થતા જ સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઉચ્ચ અધિકારીઓને માહિતી મળતા સાબરમતી પોલીસ, ક્રાઈમ બ્રાન્ચની 6 ટીમ, ઝોન 2 એલસીબી અને ઝોન 3 એલસીબી સહિત 100 જેટલા પોલીસ કર્મચારીઓ તપાસમાં જોડાયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા એક એક્ટિવા પર આવેલી યુવતીએ ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. આ ફૂટેજના આધારે પોલીસે રાણીપ વિસ્તારમાંથી 21 વર્ષીય યુવતી જીનલ પરમારની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.
કેવી રીતે ઘડ્યો પ્લાન?
જીનલની પૂછપરછમાં એક મોટા બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો હતો. તેણે કબૂલાત કરી કે આ ગુનામાં અન્ય 2 સગીર અને ઉત્તર પ્રદેશના ભુવનેશ નામના 23 વર્ષીય યુવકની સંડોવણી છે. અગાઉ નોઇડામાં ઝેપટો કંપનીમાં સાથે કામ કરતા ભુવનેશે જીનલને 1 મહિનાનું બાળક શોધી આપવા કહ્યું હતું અને બદલામાં તેને અને 2 સગીરને 2-2 લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી. આ અગાઉ તેમણે સોલા સિવિલમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં બાળકી હોવાથી ચોરી માંડી વાળી હતી અને રાણીપમાંથી બાળકની ચોરી કરી હતી.
નાકાબંધી અને ચેકિંગ શરૂ થતાં પ્લાન પર ફરી વળ્યું પાણી
બાળક ચોરી કર્યા બાદ જીનલ અને બંને સગીર સાબરમતી રેલવે સ્ટેશનથી નોઇડા ભાગી જવાની ફિરાકમાં હતા. જોકે, પોલીસે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર રાતોરાત નાકાબંધી અને ચેકિંગ શરૂ કરી દીધું હતું. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોઈને તેઓ ડરી ગયા હતા અને 38 કલાક સુધી બાળકને પોતાની પાસે રાખ્યા બાદ પકડાઈ જવાના ડરે તેને તળાવ પાસે લાવારીસ હાલતમાં છોડીને નાસી ગયા હતા. ત્યારબાદ પોલીસે યુપીથી મુખ્ય સૂત્રધાર ભુવનેશની પણ ધરપકડ કરી લીધી હતી.
નિઃસંતાન દંપતીને 20 લાખ રૂપિયામાં વેચવાનું હતું બાળક
ભુવનેશે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે આ બાળક એક નિઃસંતાન દંપતીને 20 લાખ રૂપિયામાં વેચવાનું હતું. આ ડીલ માટે ભુવનેશને 10 લાખ રૂપિયા મળવાના હતા, જેમાંથી તે 4 લાખ પોતાની પાસે રાખી બાકીના 2-2 લાખ જીનલ અને સગીરોને આપવાનો હતો. નિઃસંતાન દંપતીઓ 1 મહિના સુધીના બાળકનો જ આગ્રહ રાખે છે જેથી તેઓ સમાજમાં તેને પોતાનું સંતાન તરીકે ઓળખાવી શકે. હાલ આ કેસમાં 4 લોકોની ધરપકડ થઈ છે અને દંપતી તેમજ અન્ય એક સગીર એજન્ટની શોધખોળ સાથે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.
કેવી રીતે તપાસ આગળ વધી?
આ અંગે પોલીસે જણાવ્યું કે, ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા વાડિયા તળાવ પાસે ફૂટપાથ પર રહેતા શ્રમજીવી પરિવારના 1 મહિના અને 7 દિવસના નવજાત બાળકના અપહરણના ગુનાનો ઉકેલાયો છે. 1 ઓક્ટોબરની રાત્રે એટલે કે 2 ઓક્ટોબરની વહેલી સવારે આશરે 2 વાગ્યે ફૂટપાથ પરથી આ બાળકની ચોરી કરવામાં આવી હતી. રાત્રે આશરે 3:30 વાગ્યે બાળકના માતા-પિતા ઊંઘમાંથી જાગ્યા ત્યારે બાળક ગાયબ હોવાની જાણ થતાં જ પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈને ક્રાઈમ બ્રાંચ, ઝોન 2, ઝોન 3 એલસીબી અને સ્થાનિક પોલીસની કુલ 10 ટીમો તથા 100 જેટલા પોલીસ જવાનોને તાત્કાલિક તપાસમાં જોડી દેવામાં આવ્યા હતા.
1300 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા
તપાસ દરમિયાન અમારી ટીમોએ આશરે 1300 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને બેકટ્રેકિંગ હાથ ધર્યું હતું. તપાસમાં સામે આવ્યું કે આ આરોપીઓએ 1 ઓક્ટોબરે રાત્રે આશરે 9:55 વાગ્યે સોલા સિવિલ હોસ્પિટલ ખાતેથી પણ બાળક ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને પુરુષ બાળક જ જોઈતું હોવાથી અને ત્યાં ફીમેલ બાળકી હોવાથી તેઓ પ્રયાસ છોડીને નીકળી ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ સ્કૂટી પર આવીને અહીં ફૂટપાથ પરથી આ બાળકને ઉઠાવી લીધું હતું. આરોપીઓ બાળકને લઈને યુપીના નોઈડા ભાગી જવા માંગતા હતા, પરંતુ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને રોડ પર પોલીસની નાકાબંધી જોઈને તેઓ શહેર બહાર નીકળી શક્યા ન હતા. આખરે પોલીસના ડરથી આરોપીઓ 3 ઓક્ટોબરે સાંજે આશરે 4 વાગ્યે વાડિયા તળાવના સામેના છેડે બાળકને મૂકીને ભાગી ગયા હતા, જ્યાંથી 112 નંબર પર કોલ મળતાં જ પોલીસે અડધા કલાકમાં બાળકને સલામત રિકવર કરી માતા-પિતાને સુપ્રત કર્યું હતું.
કુલ 4 આરોપીઓની ધરપકડ
આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાણીપ વિસ્તારમાં રહેતી 21 વર્ષની જીનલ પરમાર, કાયદાના સંઘર્ષમાં આવેલા યુપીના 2 સગીરો અને નોઈડાના ભુવનેશનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ અગાઉ ઝેપ્ટો નામના ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ પર સાથે નોકરી કરતા હતા. નોઈડામાં રહેતા ભુવનેશ/ભાનું જાટવને તેના હેન્ડલર તરફથી ટાસ્ક મળ્યો હતો કે 1 મહિના આસપાસનું નવજાત પુરુષ બાળક આપવા પર તેને 10 લાખ રૂપિયા મળશે. આ 10 લાખમાંથી ભાનુંએ જીનલ અને બંને સગીરોને 2 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. જીનલ છેલ્લા 1 મહિનાથી બેરોજગાર હોવાથી નાણાંની જરૂરિયાત માટે આ ક્રાઈમમાં જોડાઈ હતી અને તેને પોતાના સ્થાનિક વિસ્તારની જાણકારી હોવાથી તેણે ફૂટપાથ પરના શ્રમજીવીના બાળકને ટાર્ગેટ કર્યું હતું.
ટાસ્ક આપનારા તત્ત્વો સુધી પહોંચવાની તજવીજ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ બાળકના અપહરણ પાછળનો મુખ્ય હેતુ નિઃસંતાન દંપતીઓને બાળક વેચવાનો હતો. 1 વર્ષથી ઓછી ઉંમરનું બાળક હોય તો સમાજમાં એવું દર્શાવી શકાય કે આ તેમનું જ બાળક છે અને સરળતાથી સ્વીકૃતિ મળી જાય છે. આ એક આંતરરાજ્ય હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્ક હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કેસની આગળની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. આ મોડ્યુલ પાછળ રહેલા અન્ય મુખ્ય આરોપીઓ અને ટાસ્ક આપનારા બોસ સુધી પહોંચવા અમારી ટીમો અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન કરીને કામ કરી રહી છે. આ ઉપરાંત સોલા સિવિલ હોસ્પિટલની સુરક્ષા સાથે સંકલન સાધીને હોસ્પિટલ પરિસરમાં બાળકોની સલામતી પર વિશેષ નજર રાખવા પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે.
ફૂટપાથ, બ્રિજ નીચે કે બાંધકામ સાઈટ પર રહેતા શ્રમજીવી પરિવારના બાળકો આવા ગુનેગારો માટે સૌથી વધુ સંવેદનશીલ હોય છે. અગાઉ પણ અમે ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને રેસ્ક્યૂ કરીને તેમના વાલીઓને શોધી તેમને સોંપ્યા હતા. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને સ્થાનિક પોલીસની ટીમો શ્રમજીવી વસાહતોમાં જઈને અવેરનેસ લાવવા માટે સતત કામ કરી રહી છે. પોલીસે શ્રમજીવી વાલીઓને અપીલ કરી કે તેઓ કામ પર જતી વખતે નાના બાળકોને એકલા કે રેઢા ન મૂકે અને કોઈ જવાબદાર સંબંધીની દેખરેખ હેઠળ રાખે. કોઈપણ ઈમરજન્સી કે શંકાસ્પદ પ્રવૃત્તિ જણાતાં તાત્કાલિક 112 નંબર પર પોલીસનો સંપર્ક કરવો જેથી તાત્કાલિક પગલાં લઈ શકાય.

