Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Demand to make knowledge of Gujarati language compulsory for drivers in Gujarat also: Gujarat Sarthi Sangh Govt.

ગુજરાતમાં પણ ડ્રાઈવરો માટે ગુજરાતી ભાષાનું જ્ઞાન ફરજિયાત કરવાની માંગ: ગુજરાત સારથી સંઘની સરકારને રજૂઆત

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાતમાં પણ ડ્રાઈવરો માટે ગુજરાતી ભાષાનું જ્ઞાન ફરજિયાત કરવાની માંગ: ગુજરાત સારથી સંઘની સરકારને રજૂઆત
સોર્સ : gstv

 ગુજરાતમાં પરમિટવાળા વાહનો ચલાવતા ડ્રાઈવરો માટે ગુજરાતી ભાષાનું ઓછામાં ઓછું કાર્યકારી જ્ઞાન ફરજિયાત કરવાની માંગ ગુજરાત સારથી સંઘ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા તા. 12 ઓગસ્ટ, 2026ના જાહેરનામા મારફતે મોટર કેબના ડ્રાઈવર તથા પરમિટ ધારકો માટે મરાઠી ભાષાનું કાર્યકારી જ્ઞાન ફરજિયાત કરવાની જોગવાઈ કરવામાં આવી હોવાના સંદર્ભમાં ગુજરાતમાં પણ આવી જ વ્યવસ્થા લાગુ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

App Store

ગુજરાત સારથી સંઘના જણાવ્યા મુજબ ગુજરાતી રાજ્યની સત્તાવાર ભાષા છે અને ઓટો-રિક્ષા, ટેક્સી તથા અન્ય જાહેર પરિવહનના ડ્રાઈવરોનો મુસાફરો સાથે સીધો સંપર્ક રહે છે. ત્યારે ડ્રાઈવરને ગુજરાતી ભાષાનું કાર્યકારી જ્ઞાન હોવું મુસાફરોની સુવિધા અને જાહેર સલામતી માટે જરૂરી છે.

સંઘે રજૂઆતમાં જણાવ્યું છે કે ડ્રાઈવરને ગુજરાતી આવડતી હોય તો મુસાફર દ્વારા જણાવવામાં આવતું ગંતવ્ય, સ્થળ કે સરનામું સરળતાથી સમજી શકાય છે. ઉપરાંત ભાડું, મુસાફરી સંબંધિત માહિતી તેમજ અકસ્માત કે અન્ય કટોકટીની પરિસ્થિતિમાં જરૂરી માહિતીની આપ-લે પણ સરળ બની શકે છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સાથે અસરકારક સંવાદ સ્થાપિત કરવામાં ભાષાનું જ્ઞાન ઉપયોગી સાબિત થઈ શકે છે.

નવા પરમિટ અને રિન્યુઅલ વખતે શરતની માંગ

સારથી સંઘે નવા પરમિટવાળા વાહનો ચલાવવાની પરવાનગી આપતી વખતે ડ્રાઈવરને ગુજરાતી ભાષાનું જરૂરી કાર્યકારી જ્ઞાન હોવાની શરત રાખવાની માંગ કરી છે. આ ઉપરાંત પરમિટના રિન્યુઅલ સમયે પણ આ શરત લાગુ કરવાની રજૂઆત કરવામાં આવી છે. હાલના વાહનચાલકોને તાત્કાલિક દંડિત કરવાને બદલે સંક્રમણ સમયગાળો આપવા અને ગુજરાતી ભાષા શીખવા માટે સરકાર દ્વારા સરળ પરીક્ષા તથા પ્રમાણપત્રની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. ભાષાનું જરૂરી જ્ઞાન ન ધરાવતા ડ્રાઈવરોને પ્રથમ તબક્કે નોટિસ આપી એક મહિનો અથવા સરકાર યોગ્ય માને તેટલો સમય આપ્યા બાદ પણ નિયમનું પાલન ન થાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ કરવાની માંગ કરાઈ છે.

ભાષા પરીક્ષા વ્યવહારુ રાખવાની રજૂઆત 

સંઘે ભાષાની પરીક્ષા અત્યંત સરળ અને વ્યવહારુ રાખવાની પણ માંગ કરી છે. ડ્રાઈવર મુસાફર સાથે સામાન્ય વાતચીત કરી શકે, સ્થળ અને સરનામું સમજી શકે તેમજ જરૂરી સલામતી સૂચનાઓ સમજી શકે તેટલું ગુજરાતી ભાષાનું જ્ઞાન પૂરતું ગણવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત બહારથી આવતા અને અન્ય રાજ્યોના ડ્રાઈવરો માટે પણ આ નિયમ સમાન રીતે લાગુ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે, જેથી કોઈ વ્યક્તિ કે સમુદાય સાથે ભેદભાવ ન થાય. 

‘માંગ કોઈ રાજ્ય કે સમુદાય વિરુદ્ધ નથી’ 

ગુજરાત સારથી સંઘે સ્પષ્ટતા કરી છે કે આ માંગ કોઈ વ્યક્તિ, રાજ્ય કે સમુદાય વિરુદ્ધ નથી. ગુજરાતી ભાષાનું સંરક્ષણ, મુસાફરો સાથે અસરકારક સંવાદ, જાહેર પરિવહનની સલામતી અને મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવાનો મુખ્ય હેતુ હોવાનું સંઘે જણાવ્યું છે. સંઘે રાજ્ય સરકારને મહારાષ્ટ્ર સરકારની જોગવાઈનો અભ્યાસ કરી ગુજરાતમાં પણ જરૂરી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવા તથા નિયમ, જાહેરનામું અથવા જરૂરી કાયદાકીય સુધારો કરવા માંગ કરી છે.