અમદાવાદ/ ખુલશે 'ખ્યાતિ'ના નવા કાંડ: ક્રાઈમબ્રાન્ચ, SIT, ITની ટીમે 20 પોટલા સાહિત્ય કર્યું કબજે

ખ્યાતિ હોસ્પિટલકાંડમાં રાજ્ય સરકારે નિમેલી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમે રિમાન્ડ હેઠળ રહેલા ડો. સંજય પટોળિયાને સાથે રાખી ખ્યાતિ હોસ્પિટલમાં બે કલાક સર્ચ કરી મહત્ત્વના દસ્તાવેજો કબ્જે કર્યા છે. કુલ 3800 સર્જરી અંગેનું સાહિત્ય ભરેલા 20 પોટલા તપાસ અર્થે લઈ જવાયાં છે. ખ્યાતિ હોસ્પિટલમાં ગત રોજ સાંજે 4.30થી 6.30 વાગ્યા સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ખ્યાતિ હોસ્પિટલમાં ગત રોજ સાંજે 4.30થી 6.30 વાગ્યા સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પંચો, આઈ.ટી નિષ્ણાંતો સાથેની એસ.આઈ.ટી દ્વારા પંચો અને વીડિયોગ્રાફર્સને સાથે રાખી ડો. પટોળિયાની ઓફિસ અને ઓપરેશન થિએટરમાં સર્જ કરવામાં આવ્યું હતું. અન્ય ડાયરેક્ટર્સ તેમજ સીઈઓ ઓફિસમાં પણ સર્ચ કરી વધુ દસ્તાવેજો કબજે કરાયાં હતા.
હોસ્પિટલના વહીવટી તથા દર્દીઓને લગતી તેમજ એકાઉન્ટસની તપાસ
હોસ્પિટલના સર્વર રૂમમાં હોસ્પિટલના વહીવટી તથા દર્દીઓને લગતી તેમજ એકાઉન્ટસની તપાસ કરવામાં આવ્યાં હતા. CA તથા આઈટીનું કામ કરતા કર્મચારીને સાથે રાથી સર્વરનો એક્સેસ મેળવીને ઈલેક્ટ્રોનિક ડેટા પણ કબજે કરાયો હતો. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ઓએનજીસી, વેસ્ટર્ન રેલ્વે સ્ટીલ ઓથોરિટી પ્રા. લિ, એક્સ સર્વિસ મેન હેલ્થ સ્કીમ અને પીઆરએલના કુલ મળીને 141 દર્દીઓની સારવાર કરાઈ તેના ડેટા પણ મેળવવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: ભાવનગર: 40 વર્ષના શખ્સે સગીરાને ફસાવીને આચર્યું દુષ્કર્મ, નરાધમને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો
કુલ 20 પોટલા સાહિત્ય કબજે કરવામાં આવ્યું
હોસ્પિટલની તમામ વહીવટી કામગીરી સંજય પટોળિયા સંભાળતા હોવાથી તેને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી. કાર્તિક પટેલ પછી બધા જ નિર્ણયો અને આદેશ ડો. પટોળિયા કરતાં હતાં, એટલે તેમને સાથે રાખી દસ્તાવેજી પુરાવા કબજે કરાયાં છે. ડાયરેક્ટર્સની મિનિટ્સ બૂક સહિતના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી કુલ 3800 સર્જરીમાંથી મહત્ત્વના જણાયેલા દસ્તાવેજો ઉપરાંત અન્ય પેપર્સ મળીને કુલ 20 પોટલા સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે.
સંજય પટોળિયા અન્ય 5 હોસ્પિટલોમાં પણ કાર્યરત
ખ્યાતિ હોસ્પિટલમાં 39 ટકાનો હિસ્સો ધરાવતા ડાયરેક્ટર સંજય પટોળિયા અમદાવાદની ખ્યાતિ ઉપરાંત અન્ય બે તેમજ સુરત અને રાજકોટની એક એક હોસ્પિટલમાં કાર્યરત હોવાની વિગતો મળી છે. સંજય પટોળિયા જ્યાં જ્યાં કાર્યરત હતા તે અંગે પણ તપાસ કરવામાં આવશે.

