ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં, બુથ મેનેજમેન્ટ મજબૂત કરવા 'વોટ રક્ષક' બનાવશે

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસના પ્રભારી સુરજેવાલા સહિતના નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણી માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.
બુથ મેનેજમેન્ટ પર વિશેષ ભાર મૂકાશે
ચૂંટણીમાં વધુ મજબૂતાઈથી મેદાનમાં ઉતરવા માટે કોંગ્રેસ બુથ મેનેજમેન્ટ પર વિશેષ ભાર મૂકશે. ખાસ કરીને મતદાન દરમિયાન વોટ ચોરી અટકાવવા અને મતદારો સુધી પહોંચવા માટે 'વોટ રક્ષક' તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી છે. મતદાર યાદીના દરેક પેજ દીઠ એક વોટ રક્ષકની નિમણૂક કરવામાં આવશે. આ રીતે ભાજપના પેજ પ્રમુખની સામે કોંગ્રેસ પણ પોતાના વોટ રક્ષકને મેદાનમાં ઉતારશે.
આ ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જનતાના સ્થાનિક અને મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને પદયાત્રા, ટ્રેક્ટર યાત્રા સહિતના કાર્યક્રમો જાહેર કરવામાં આવશે. આમ, વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સંગઠનને નીચલા સ્તર સુધી મજબૂત બનાવવા અને મતદારો સાથે સીધો સંપર્ક વધારવાની રણનીતિ પર કામ કરી રહી છે.









