સાવધાન! OTP વિના પણ બેન્ક એકાઉન્ટ થઈ શકે છે ખાલી, વેપારી સાથે 68 લાખની છેતરપિંડી

અમદાવાદના ચાંદખેડામાં રહેતા અને કંપની ચલાવતા એક શખ્સના કરન્ટ એકાઉન્ટનું નેટ બેન્કિંગ હેક કરીને હેકરે કોઈપણ જાતના OTP કે નવા બેનિફિશિયરી મેસેજ વિના જ ખાતામાંથી કુલ 68.31 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા છે. ગત 4 નવેમ્બરે તેઓ ધોલેરાથી પરત ફરી રહ્યા હતા ત્યારે ખાતામાંથી 10 લાખ ડેબિટ થવાનો મેસેજ આવતા જ આ લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
OTP કે મેસેજ વિના ખાતામાંથી રકમ ટ્રાન્સફર
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને કંપની ચલાવતા 36 વર્ષીય વેપારી સાથે આ સાયબર ફ્રોડ થયો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત 4 નવેમ્બરે બપોરે 1:30 વાગ્યાની આસપાસ જ્યારે તેઓ ધોલેરાથી ઓફિસે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમના મોબાઈલ પર બેન્ક ખાતામાંથી રૂપિયા 10 લાખ ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. આ જોઈને તેમણે તાત્કાલિક બેન્કમાં ફોન કરીને પોતાનું ખાતું હોલ્ડ કરવા અને બંધ કરવા જાણ કરી હતી. પરંતુ તે દરમિયાન એકાઉન્ટમાંથી અન્ય ટ્રાન્ઝેક્શન થવાના મેસેજ પણ આવવા લાગ્યા હતા. આશ્ચર્યની વાત એ હતી કે આ તમામ ફ્રોડ ટ્રાન્ઝેક્શન વખતે તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર કોઈ OTP કે નવા બેનિફિશિયરી એડ થયાનો કોઈ જ મેસેજ આવ્યો ન હતો.
સાયબર ફ્રોડ માટે હેકરની નવી ટ્રીક
કોઈ હેકરે અગાઉથી જ તેમની નેટ બેન્કિંગ એપ્લિકેશનની લિંકનો ડેટા ચોરી કરીને સિસ્ટમમાં એક્સેસ લઈ લીધો હતો. આ રીતે હેકરે તેમની જાણ બહાર તેમના બેન્ક એકાઉન્ટમાંથી જુદી-જુદી બેન્કોના ખાતાઓમાં કુલ રૂપિયા 68,31,539 ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા. આ લાખો રૂપિયાની છેતરપિંડીનો ખ્યાલ આવતા જ ફરિયાદીએ પોતાના ભાગીદારને બેન્કમાં મોકલીને સાયબર હેલ્પલાઈન 1930 પર કોલ કરી ફરિયાદ નોંધાવી હતી અને આ હેકર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.









