VIDEO: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ, બે લોકો ઇજાગ્રસ્ત

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થતા બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને વધુ તપાસ હાથ ધરી છે.
પાર્સલમાં બ્લાસ્ટ થતા પોલીસ દોડતી થઇ
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શિવમ રો હાઉસમાં એક પાર્સલમાં બ્લાસ્ટ થતા બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. શિવમ રો હાઉસમાં રહેતા કિરીટ સુખડિયા નામના વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે.પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતા પાર્સલ લાવનાર અને તેને રિસીવ કરનાર બન્ને લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પાર્સલમાં બ્લાસ્ટ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
એક વ્યક્તિ પાર્સલ લઇને દરવાજા પર આવ્યો હતો અને અન્ય બે વ્યક્તિ બહાર ઉભા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ગઇકાલે રાત્રે પણ બે લોકો આવ્યો હોવાનું પરિવારે જણાવ્યું છે. અંગત અદાવત બ્લાસ્ટ કરવામાં આવ્યો કે અગમ્ય કારણોસર બ્લાસ્ટ થયો તે અંગે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે.
કેવી રીતે બની ઘટના?
કમલ સુખડિયાએ કહ્યું કે, 'મને મારી મમ્મીનો ફોન આવ્યો હતો કે ઘરે કોઇ બોમ્બ લઇને આવ્યું હતું. બાજુમાં મારા કાકા રહે છે તેમને ગંભીર ઇજા થઇ છે, મારા પિતાને પણ પગમાં ઇજા થઇ છે. કાકાના 5 વર્ષના દીકરાને પણ પગમાં ઇજા થઇ છે. એક વ્યક્તિ હાથમાં બોમ્બ લઇને આવ્યો હતો. સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે બે વ્યક્તિ રિક્ષા લઇને બહાર ઉભા હતા. એક વ્યક્તિએ પાર્સલ આપતાની સાથે જ રિક્ષામાં રહેલા લોકોએ રિમોટ કંટ્રોલ દબાવતા તેમાં બ્લાસ્ટ થયો હતો. બદઇરાદે આતંકવાદી સંગઠન જેવું લાગી રહ્યું છે. મારી કોઇની સાથે દુશ્મની નથી.'

