VIDEO: ગુજરાતના આંગણે અવકાશી ક્રાંતિ: ધોલેરા સર (DSIR) ખાતેથી પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ
VIDEO: ગુજરાત હવે માત્ર ઉદ્યોગો અને ઈનોવેશનની ભૂમિ જ નહીં, પરંતુ અવકાશ ક્ષેત્રે પણ નવી ઊંચાઈઓ સર કરવા માટે સજ્જ થઈ ગયું છે. આજે ધોલેરા ખાતેથી પ્રથમ 'સાઉન્ડિંગ રોકેટ' (Sounding Rocket)નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ક્ષણના વીડિયો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર શેર કરી સમગ્ર ગુજરાતને આ ગૌરવશાળી સિદ્ધિની જાણકારી આપી છે.
નવા અધ્યાયની શરૂઆત
ગુજરાતના ગૃહમંત્રી સીએમ હર્ષ સંઘવીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, "ઈનોવેશનની ભૂમિથી લઈને શક્યતાઓના આકાશ સુધી, ગુજરાત હવે એક નવો ઇતિહાસ લખી રહ્યું છે." ધોલેરા ખાતેથી થયેલું આ પ્રથમ લોન્ચિંગ સ્પેસ સેક્ટરમાં ગુજરાતની વધતી જતી મજબૂતીનું પ્રતીક છે. આ સાઉન્ડિંગ રોકેટ મુખ્યત્વે વાતાવરણના ઉપરના સ્તરોમાં વૈજ્ઞાનિક પ્રયોગો કરવા માટે લોન્ચ કરવામાં આવતા હોય છે.
ધોલેરા: ભાવિ સ્પેસ હબ
ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજન (SIR) પહેલેથી જ પોતાની આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલૉજી માટે જાણીતું છે. હવે સ્પેસ સેક્ટરમાં આ પ્રવેશ સાથે તે ભારતનું એક મહત્ત્વનું સ્પેસ ફ્રન્ટિયર બનવા જઈ રહ્યું છે. આ સફળ લોન્ચિંગથી આવનારા સમયમાં ગુજરાતમાં અવકાશ વિજ્ઞાન સંબંધિત સંશોધનો અને પ્રોજેક્ટ્સને નવો વેગ મળશે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ
સાઉન્ડિંગ રોકેટ્સનું સફળ પરીક્ષણ એ કોઈપણ પ્રદેશ માટે અવકાશ સંશોધન ક્ષેત્રે પાયાનું પગલું ગણાય છે. આ ઘટનાને પગલે સ્થાનિક એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

