ભરતસિંહ સોલંકીનો ભાજપ પર પ્રહારઃ '12 વર્ષમાં અંગ્રેજો કરતાં વધુ દેશને લૂંટ્યો'

ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ભાજપ પર દેશને લૂંટવાનો અને સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી લોકોને દબાવવાનો આરોપ લગાવ્યો હતો. ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, અંગ્રેજોએ 200 વર્ષમાં દેશને લૂંટ્યો, તેના કરતાં પણ વધુ ભાજપે 12 વર્ષમાં દેશને લૂંટ્યો છે.
તેમણે રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા વોટ ચોરીના મુદ્દાને જનતા સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી. માત્ર ફરિયાદી બનીને નહીં રહેતાં, આ મુદ્દાને છેક નીચે સુધી લઈ જવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું.
ભાજપના પ્રદેશ પ્રમુખના 182 બેઠકોના નિવેદન પર કટાક્ષ કરતાં ભરતસિંહે કહ્યું કે, ભાજપ પ્રમુખની જીભ લપસી અને 182ના બદલે 82 બોલી ગયા, પરંતુ મને લાગે છે કે આ વખતે પ્રજા ભાજપને 82 બેઠકો પણ આવવા નહીં દે.
આગામી ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં પણ ભાજપનો સફાયો થશે તેવી આગાહી કરતાં તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને સક્રિય બની પોતાની ફરજ નિભાવવાની હાકલ કરી હતી.










