Ahmedabadના ચંડોળામાં આરોપીને પકડવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો, પોલીસે સ્વબચાવમાં કર્યું ફાયરિંગ

શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાંથી એક ચોંકાવનારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક રીઢા આરોપીને દબોચી લેવા ગયેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર આરોપીએ જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હિંસક ઝપાઝપીમાં ક્રાઈમ બ્રાન્ચના JCPને ઈજા પહોંચી છે. બીજી તરફ, પોલીસે પણ આક્રમક વળતો પ્રહાર કરીને આરોપીના પગમાં ગોળી મારી હતી.
મળતી પ્રાથમિક માહિતી મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચંડોળા તળાવ ખાતે એક વોન્ટેડ આરોપી અને હિસ્ટ્રીશીટર કલીમ ભૈયા હાજર હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ આરોપીને પકડવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને જોઈને આરોપીએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ક્રાઈમ બ્રાન્ચે તેને ચારેય તરફથી ઘેરી લેતા, આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોલીસ ટીમ પર હિંસક હુમલો કરી દીધો હતો.
આ હુમલા દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના વડા JCP વચ્ચે પડતા તેમને શરીરે ઈજાઓ પહોંચી હતી. પરિસ્થિતિ બેકાબૂ બનતા અને પોતાની સુરક્ષા કાજે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ તાત્કાલિક વળતી કાર્યવાહી કરી હતી. પોલીસે હવામાં અને ત્યારબાદ આરોપી પર ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો.
ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હુમલામાં ઘાયલ થયેલા JCPને તાત્કાલિક અસરે સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ગોળી વાગવાથી ઘાયલ થયેલા આરોપીને પણ પોલીસ બંદોબસ્ત હેઠળ હોસ્પિટલ લઈ જવાયો છે. હાલ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

