Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : In Amraiwadi, a youth was killed in a trifling matter like knocking the lid of a water barrel, law and order shakes in Ahmedabad.

અમરાઈવાડીમાં પાણીના પીપળાનું ઢાંકણું પછાડવા જેવી નજીવી બાબતમાં યુવકની હત્યા, અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
અમરાઈવાડીમાં પાણીના પીપળાનું ઢાંકણું પછાડવા જેવી નજીવી બાબતમાં યુવકની હત્યા, અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા
સોર્સ : gstv

અમદાવાદના પૂર્વ વિસ્તાર ગણાતા અમરાઇવાડીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવતી એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર પાણીના પીપળાનું ઢાંકણું નીચે પછાડવા જેવી નજીવી બાબતમાં થયેલી બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. મોડી રાત્રે રબારી કોલોની નજીક બનેલી આ ઘટનામાં એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. આ મામલે અમરાઇવાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

App Store

મોઢું ધોવા અને ઢાંકણું પછાડવા બાબતે થઈ હતી તકરાર

મળતી માહિતી મુજબ, અમરાઇવાડીની રબારી કોલોની સ્થિત વાઘજીભાઈ એસ્ટેટમાં સંગીતાબહેન ચૌહાણ તેમના પતિ કિશન અને માત્ર આઠ મહિનાના માસૂમ બાળક સાથે રહે છે. ગત મોડી રાત્રે તેમના ઘરની બહાર મુકેલા પાણીના પીપળા (બેરલ) પાસે અચાનક મોટો અવાજ આવતા કિશન અને તેમના પત્ની બહાર આવ્યા હતા. ત્યાં 19થી 20 વર્ષની વયનો પરિચિત યુવક તેના અન્ય ચાર મિત્રો સાથે ઊભો હતો. આ યુવક પીપળામાં હાથ નાખીને મોઢું ધોઈ રહ્યો હતો અને તે દરમિયાન તેણે પાણીના પીપળાનું ઢાંકણું બેદરકારીથી નીચે પછાડ્યું હતું. 

મોડી રાત્રે થયેલા આ અવાજને કારણે મકાનમાલિક કિશને તેને ટોક્યો હતો અને ઢાંકણું સરખું મૂકવા માટે ઠપકો આપ્યો હતો. આ સામાન્ય ઠપકાથી ઉશ્કેરાયેલા યુવકે દાદાગીરી કરતા કહ્યું કે, 'મેં ઢાંકણું નીચે નાખી દીધું છે, તું મારું શું કરી લઈશ?' તેમ કહી જાહેરમાં ગાળાગાળી શરૂ કરી દીધી હતી.

પાડોશીઓ એકઠા થતાં ભાગ્યા, પણ બદલો લેવા ઘાતકી હુમલો કર્યો

ગાળાગાળી બાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી, પરંતુ રાત્રિના સમયે આસપાસના પાડોશીઓ દોડી આવતા મામલો થાળે પડ્યો હતો અને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. દંપતીને લાગ્યું કે વિવાદ શાંત થઈ ગયો છે, પરંતુ મુખ્ય આરોપી મનમાં અદાવત રાખીને થોડી જ વારમાં ઘાતક હથિયાર સાથે પરત ફર્યો હતો.

આરોપીએ ઘરમાં હાજર કિશન પર અચાનક જ છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. કિશન કંઈ સમજે તે પહેલાં જ તેમના શરીર પર ઉપરાછાપરી ઘા ઝીંકી દેવાયા હતા. લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા કિશનભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવારના અંતે તેમનું કમનસીબ મોત નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં જ અમરાઇવાડી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી સહિતના શખસોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી સઘન શોધખોળ શરૂ કરી છે.