Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : arbitrary in the name of transfer fee in societies? Lakhs recovered despite limitation of 0.5%

Ahmedabad/ સોસાયટીઓમાં ટ્રાન્સફર ફીના નામે મનમાની? 0.5%ની મર્યાદા છતાં લાખો વસૂલાત

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad/ સોસાયટીઓમાં ટ્રાન્સફર ફીના નામે મનમાની? 0.5%ની મર્યાદા છતાં લાખો વસૂલાત
સોર્સ : gstv

અમદાવાદ શહેરની અનેક કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓમાં મિલકત ખરીદનારા નવા સભ્યો પાસેથી ટ્રાન્સફર ફી, ડેવલપમેન્ટ ફી અને લાઈફટાઈમ મેન્ટેનન્સ જેવા વિવિધ નામે ઊંચી રકમ વસૂલવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. રાજ્ય સરકારના નિયમો મુજબ ટ્રાન્સફર ફીની મહત્તમ મર્યાદા મિલકતની વેચાણ કિંમતના 0.5 ટકા અથવા વધુમાં વધુ એક લાખ રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તે, નક્કી કરવામાં આવી છે. તેમ છતાં, આ મર્યાદા કરતાં વધુ રકમની વસૂલાતને લઈને અનેક વિવાદો રજિસ્ટ્રાર કચેરીથી લઈને કોર્ટ સુધી પહોંચી રહ્યા છે.

App Store

સહકારી કાયદામાં ટ્રાન્સફર ફીની મર્યાદા નક્કી

રાજ્ય સરકારે સહકારી મંડળીઓ સંબંધિત કાયદામાં જોગવાઈ કરીને કો-ઓપરેટિવ સોસાયટી તથા હાઉસિંગ કો-ઓપરેટિવ સોસાયટીમાં નવા ખરીદદાર પાસેથી વસૂલાતી ટ્રાન્સફર ફીની મર્યાદા નક્કી કરી છે. નિયમ મુજબ મિલકતની વેચાણ કિંમતના 0.5 ટકા અથવા વધુમાં વધુ એક લાખ રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તેટલી રકમ જ ટ્રાન્સફર ફી તરીકે વસૂલી શકાય છે.

જોકે, સભ્યોના આક્ષેપ મુજબ જમીની સ્તરે આ નિયમનો યોગ્ય અમલ થતો નથી. કેટલીક સોસાયટીઓમાં ટ્રાન્સફર ફી ઉપરાંત ડેવલપમેન્ટ ફી, મેન્ટેનન્સ કે અન્ય ચાર્જના નામે મોટી રકમ વસૂલવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જેના કારણે નવા મિલકતધારકો અને સોસાયટીના હોદ્દેદારો વચ્ચે વિવાદ સર્જાઈ રહ્યા છે.

આંબાવાડીની માણેકબાગ સોસાયટીનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી માણેકબાગ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડનો આવો જ એક મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. સોસાયટીમાં નવા સભ્યને સામેલ કરવા માટે આશરે 20 લાખ રૂપિયા ડેવલપમેન્ટ ફીના નામે વસૂલવાના મુદ્દે વિવાદ થયો હતો.

આ મામલે હાઉસિંગ સોસાયટીના રજિસ્ટ્રાર દ્વારા સોસાયટીના દસ્તાવેજોની તપાસ અને સ્થળ તપાસ (સ્પોટ ઇન્સ્પેક્શન) માટે ઓડિટરની નિમણૂક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, ગુજરાત હાઇકોર્ટે આ આદેશ પર વચગાળાનો સ્ટે આપ્યો છે અને કેસની વધુ સુનાવણી આવતા મહિને નક્કી કરવામાં આવી છે.

આ કાનૂની વિવાદની શરૂઆત સોસાયટીના એક મકાનના જૂના માલિક, નવા ખરીદદાર અને સોસાયટી વચ્ચે 20 લાખ રૂપિયાની ડેવલપમેન્ટ ફી અંગે થયેલા મતભેદથી થઈ હતી. હવે આ મામલે કોર્ટની આગામી કાર્યવાહી પર નજર છે.

મનસ્વી વસૂલાતથી સભ્યોની મુશ્કેલી વધ્યાના આક્ષેપ

ટ્રાન્સફર અને ડેવલપમેન્ટ ફીના નામે ઊંચી રકમ વસૂલવાનો મુદ્દો હવે અનેક સભ્યો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે. જિલ્લા સહકારી રજિસ્ટ્રાર અને સહકાર વિભાગના સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, નિયમિત ટ્રાન્સફર ફી તરીકે સોસાયટી મિલકતના વેચાણ મૂલ્યના 0.5 ટકા અથવા એક લાખ રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તે, વસૂલી શકે છે.

બીજી તરફ, કેટલાક સભ્યોનો આક્ષેપ છે કે સોસાયટીની માગેલી રકમ ચૂકવવામાં ન આવે તો નવા ખરીદદારને સભ્ય બનાવવામાં વિલંબ અથવા ઇનકાર કરવામાં આવે છે અને વિવિધ રીતે મુશ્કેલી ઊભી કરવામાં આવે છે. આવી ફરિયાદોને પગલે સભ્યો દ્વારા સહકારી વિભાગ અને સત્તાવાળાઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.