દિવાળી-છઠના 15 દિવસમાં અમદાવાદ રેલવે ડિવિઝનની ₹108 કરોડથી વધુની કમાણી

દિવાળી અને છઠ પર્વ દરમિયાન ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. આ તહેવારોના 15 દિવસમાં અમદાવાદ રેલવે ડિવિઝનમાંથી 21 લાખથી વધુ મુસાફરોએ અવરજવર કરી હતી. જેના પરિણામે પશ્ચિમ રેલવેને ₹108 કરોડથી વધુની આવક થઈ છે. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવાની સાથે નિયમિત ટ્રેનોમાં વધારાના કોચ પણ જોડવામાં આવ્યા હતા. રેલવેની વિગતો અનુસાર, 1થી 15 નવેમ્બર દરમિયાન તહેવારોને કારણે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. આ ભીડને પહોંચી વળવા અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા કુલ 79 સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ ચલાવવામાં આવી હતી. આ ઉપરાંત મુસાફરોને સરળતાથી મુસાફરી કરી શકાય તે માટે કેટલીક નિયમિત ટ્રેનોમાં વધારાના કોચની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અમદાવાદ રેલવે સ્ટેશન પર સૌથી વધુ ભીડ
આ સમયગાળા દરમિયાન અમદાવાદ રેલવે સ્ટેશન પર સૌથી વધુ 8.1 લાખથી વધુ મુસાફરોની અવરજવર નોંધાઈ હતી. જ્યારે સાબરમતી રેલવે સ્ટેશન પરથી 3.4 લાખ અને અસારવા સ્ટેશન પરથી 1.3 લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. આ ઉપરાંત ભુજ, ગાંધીધામ સહિત ડિવિઝનના અન્ય સ્ટેશનો પર પણ મુસાફરોની ભારે અવરજવર જોવા મળી હતી.
ઉત્તર પ્રદેશ-બિહાર સહિતનાં રાજ્યો માટે સ્પેશિયલ ટ્રેનો
મુસાફરોની વધારાની માંગને પહોંચી વળવા અમદાવાદ, સાબરમતી, અસારવા, ભુજ અને ગાંધીધામથી ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યો માટે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી. આ ટ્રેનો દ્વારા લખનઉ, કાનપુર, પ્રયાગરાજ, મુઝફ્ફરપુર, દરભંગા, જયપુર અને મુંબઈ જેવા શહેરો સાથે મુસાફરોને જોડવામાં આવ્યા હતા. સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ અને કર્ણાવતી એક્સપ્રેસ જેવી લોકપ્રિય ટ્રેનોમાં પણ વધારાના કોચ જોડવામાં આવ્યા હતા.
મુસાફરોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા
તહેવારો દરમિયાન સ્ટેશનો પર ભીડનું યોગ્ય સંચાલન કરવા અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર ખાસ હોલ્ડિંગ એરિયા (પ્રતીક્ષા વિસ્તાર) બનાવવામાં આવ્યા હતા. અહીં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સીસીટીવી સર્વેલન્સ વધારવામાં આવ્યું હતું અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના વધારાના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ સ્ટેશન પર 55, સાબરમતીમાં 40 અને અસારવા સ્ટેશન પર 15 જવાનોની નિમણૂક કરવામાં આવી હતી. આમ, દિવાળી અને છઠના તહેવારો દરમિયાન વિશેષ ટ્રેનો, વધારાના કોચ અને સુરક્ષા વ્યવસ્થાના માધ્યમથી અમદાવાદ રેલવે ડિવિઝને લાખો મુસાફરોની અવરજવરનું સંચાલન કર્યું હતું અને ₹108 કરોડથી વધુની આવક મેળવી હતી.










