Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AMC's 7-day deadline completely failed, Ahmedabad roads flooded in a normal downpour

AMCની 7 દિવસની ડેડલાઇન સદંતર ફેલ, સામાન્ય ઝાપટાંમાં જ અમદાવાદના રસ્તા પોલા પડ્યા, પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર?

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
AMCની 7 દિવસની ડેડલાઇન સદંતર ફેલ, સામાન્ય ઝાપટાંમાં જ અમદાવાદના રસ્તા પોલા પડ્યા, પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર?
સોર્સ : GSTV

 

App Store

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ચોમાસા પૂર્વે શહેરના તમામ ખાડાઓ પૂરી દેવા માટે આપવામાં આવેલી 7 દિવસની ડેડલાઇન સદંતર ફેલ સાબિત થઈ છે. કોર્પોરેશનના દાવાઓ વચ્ચે જમીની વાસ્તવિકતા તદ્દન અલગ જોવા મળી રહી છે. ગઈકાલે શહેરમાં પડેલા સામાન્ય વરસાદી ઝાપટાંના કારણે જ ખોદકામ કરાયેલી જગ્યાઓ પર માટી બેસી ગઈ હતી અને રસ્તાઓ પોલા પડી ગયા છે. જો આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકશે, તો શહેરીજનોની મુશ્કેલીઓમાં મોટો વધારો થવાની પ્રબળ ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તંત્રનો બચાવ કરતા કામગીરીનો નવો રિપોર્ટ અને નવી તારીખો રજૂ કરી છે.

144માંથી 42 જગ્યાઓ પર હજુ પણ કામ અધૂરું

ચોમાસું માથે હોવા છતાં શહેરમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇન (વરસાદી ગટર)ની કામગીરી હજુ પણ અનેક જગ્યાએ અધૂરી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે સ્વીકાર્યું હતું કે, શહેરમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇનના સેટલમેન્ટ વાળી કૂલ 144 જગ્યાઓ ઓળખવામાં આવી હતી. આ 144 જગ્યાઓમાંથી 42 જગ્યાઓ પર હજુ પણ કામગીરી ચાલુ જ છે, એટલે કે ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલાં પણ તંત્ર કામ પૂરું કરી શક્યું નથી. જો કે, ચેરમેને દાવો કર્યો છે કે ત્યાં બેરીકેટિંગ કરીને સુરક્ષિત રીતે કામ કરવામાં આવી રહ્યું છે અને આ બાકી રહેલા કામોને પણ આગામી ટૂંક જ દિવસોમાં પૂર્ણ કરવા આદેશ અપાયા છે.

ગોતામાં હજુ બે જગ્યાએ કામ બાકી

શહેરમાં લાઇન લીકેજ કે અન્ય મોટો ભંગાણ (બ્રેકડાઉન) થવાના કારણે સર્જાયેલી સ્થિતિ અંગે ચેરમેન કમલેશ પટેલે બચાવ કરતા જણાવ્યું કે, 'મારી પહેલી જ બેઠકમાં મેં સ્પષ્ટ સૂચના આપી હતી કે 7 દિવસની અંદર તમામ ખાડાઓ પુરાઈ જવા જોઈએ. શહેરમાં બ્રેકડાઉનના કારણે 16 જગ્યાઓ પર મોટી કામગીરી ચાલુ હતી, જેમાંથી 14 જગ્યાઓ પર અમે કામ પૂર્ણ કરીને ખાડા પૂરી દીધા છે.'

જો કે, ગોતા વિસ્તારમાં હજુ પણ બે જગ્યાઓ પર કામગીરી અધૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. ગોતાના આ બાકી રહેલા કામો માટે ચેરમેને નવી તારીખો આપતા જણાવ્યું કે, એક જગ્યાએ આગામી 23મી જૂન અને બીજી જગ્યાએ 30મી જૂનના રોજ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર?

તંત્ર ભલે ગમે તેટલા બચાવના આંકડા રજૂ કરે, પરંતુ હકીકત એ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરી સમયસર પૂર્ણ થઈ શકી નથી. અધૂરા અને પોલા રહી ગયેલા રસ્તાઓના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બને તેવી સ્થિતિ સર્જાઈ છે.