અમદાવાદનું ‘તપસ-1’ હવે અવકાશમાં, ફાલ્કન-9થી થશે લોન્ચિંગ; 500 કિમી ઉપરથી પૃથ્વીની ગરમી માપશે

ગુજરાત સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે. અમદાવાદની એક સ્ટાર્ટઅપ કંપની દ્વારા સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવેલો થર્મલ ઈન્ફ્રારેડ અર્થ ઓબ્ઝર્વેશન પેલોડ ‘તપસ-1’ પહેલી ઓક્ટોબરે અમેરિકાથી અવકાશમાં લોન્ચ કરવામાં આવશે. આશરે 3 કિલો વજન ધરાવતા આ કેમેરાને અમેરિકાના ‘ફાલ્કન-9’ રોકેટ દ્વારા અવકાશમાં પ્રસ્થાપિત કરવામાં આવશે. આ ટેક્નોલોજી કૃષિ અને તાપમાન સંબંધિત ક્ષેત્રોમાં સચોટ ડેટા મેળવવામાં મદદરૂપ બની શકે છે.
500 કિમી ઊંચાઈએથી પૃથ્વીની ગરમી પર નજર
અમદાવાદની સ્ટાર્ટઅપ કંપનીએ માત્ર 12 મહિનાના ટૂંકા ગાળામાં સ્વદેશી ટેક્નોલોજીથી ‘તપસ-1’ તૈયાર કર્યો છે. આ થર્મલ ઈન્ફ્રારેડ કેમેરાને પૃથ્વીની સપાટીથી આશરે 500 કિલોમીટર ઊંચાઈની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. સામાન્ય સેટેલાઇટ કેમેરામાં સરળતાથી નજરે ન આવતી ગરમી અને તાપમાનમાં થતી સૂક્ષ્મ વધઘટને પણ આ કેમેરા હાઈ રિઝોલ્યુશન તસવીરોના માધ્યમથી કૅપ્ચર કરી શકશે.
‘તપસ-1’ આશરે ત્રણ વર્ષ સુધી કાર્યરત રહીને પૃથ્વીની સપાટી સાથે જોડાયેલી થર્મલ માહિતી એકત્ર કરશે. ખાસ કરીને ખેતીમાં જમીન અને પાકના તાપમાન અંગે મળતી માહિતી ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે ઉપયોગી બની શકે છે.
માત્ર 3 કિલો વજન, છતાં અત્યાધુનિક ક્ષમતા
‘તપસ-1’નું વજન માત્ર 3 કિલો છે, પરંતુ તેની અંદર થર્મલ માહિતી મેળવવાની અદ્યતન ક્ષમતા વિકસાવવામાં આવી છે. આ કેમેરાને એવી ટેક્નોલોજી સાથે તૈયાર કરવામાં આવ્યો છે કે જે પૃથ્વીના થર્મલ ઈન્ફ્રારેડ રેડિયેશનને કૅપ્ચર કરી શકે.
આ ડેટાનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી વિશ્લેષણ કરવામાં આવશે. તેના આધારે પૃથ્વીની સપાટી પર ગરમી અને તાપમાનમાં થતા ફેરફારો અંગે વધુ સચોટ માહિતી મેળવી શકાશે. તેથી આ કેમેરાને પૃથ્વીના એક પ્રકારના ‘થર્મોમીટર’ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.
કૃષિ સહિત અનેક ક્ષેત્રોમાં મળી શકે ઉપયોગ
થર્મલ ડેટાની મદદથી જમીન અને પાકમાં તાપમાન સંબંધિત ફેરફારોને સમજવામાં મદદ મળી શકે છે. કૃષિ ઉપરાંત પર્યાવરણ અને પૃથ્વીના તાપમાનની દેખરેખ જેવા ક્ષેત્રોમાં પણ આ પ્રકારની ટેક્નોલોજી ઉપયોગી સાબિત થઈ શકે છે.
અમદાવાદમાં વિકસાવવામાં આવેલો આ પેલોડ અમેરિકાના ફાલ્કન-9 રોકેટથી અવકાશમાં પહોંચશે. સ્થાનિક સ્ટાર્ટઅપ દ્વારા તૈયાર કરવામાં આવેલી ટેક્નોલોજીનું આ લોન્ચિંગ ગુજરાતની સ્પેસ ટેકનોલોજી ક્ષમતાને નવી ઓળખ આપતું મહત્વપૂર્ણ પગલું બની શકે છે.

