Ahmedabad / પારિવારિક આઘાત અને મિત્રોથી વિખૂટા પડતાં 13 વર્ષીય સગીરા સ્માર્ટફોનની દુનિયામાં ખોવાઈ; ડિપ્રેશનનો ભોગ બની

અમદાવાદ શહેરમાં પિતા અને દાદાની છત્રછાયા ગુમાવ્યા બાદ સ્કૂલમાં ક્લાસ સેક્શન બદલાઈ જતાં તમામ મિત્રોથી અલગ પડેલી 13 વર્ષીય સગીરા છેલ્લા બે મહિનાથી ડિપ્રેશનમાં આવીને રૂમમાં પુરાઈ ગઈ હતી. આખો દિવસ મોબાઈલ સ્ક્રીન સામે બેસી રહેતી સગીરા સ્કૂલે જવાની ચોખ્ખી ના પાડતી હોવાથી લાચાર માતાએ '181' અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી. અભયમની ટીમે સ્થળ પર પહોંચી સગીરા અને તેની માતાનું લાંબુ કાઉન્સિલિંગ કરી માનસિક ગાંઠ ઉકેલતાં, સગીરાએ આખરે ફરી સ્કૂલે જવાની તૈયારી દર્શાવી હતી અને મોબાઈલનો ઉપયોગ ઘટાડી પરિવાર સાથે સમય વિતાવવાનું વચન આપ્યું હતું.
પારિવારિક આઘાત અને મિત્રોથી વિછોડ બની ગયું ડિપ્રેશનનું કારણ
શહેરના પૂર્વ વિસ્તારમાંથી એક માતાએ 181 અભયમ હેલ્પલાઇન પર કોલ કરી રડમસ અવાજે મદદ માંગી હતી કે તેમની 13 વર્ષની દીકરી છેલ્લા બે મહિનાથી સ્કૂલે જતી નથી અને ઘરમાં પોતાની જાતને એક રૂમમાં બંધ રાખી આખો દિવસ ફોનમાં જ વ્યસ્ત રહે છે. કોલ મળતાં જ અભયમ વાન ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે બાળકી સાથે વિશ્વાસ કેળવી વાતચીત શરૂ કરતાં અત્યંત સંવેદનશીલ વિગતો સામે આવી હતી. પરિવારમાં બે ટ્વિન્સ દીકરીઓ છે અને બંને એક જ ક્લાસમાં અભ્યાસ કરે છે. પાંચ વર્ષ પહેલાં તેમના પિતાનું અવસાન થયું હતું, જેના કારણે ઘરનું ગુજરાન દાદાના પેન્શન પર ચાલતું હતું. જોકે, બે મહિના પહેલાં દાદાનું પણ અવસાન થતાં ઘરની આર્થિક જવાબદારી દાદીના અડધા પેન્શન પર આવી ગઈ હતી. આ આઘાત વચ્ચે સ્કૂલમાં છોકરાઓના અવાજના કારણે ક્લાસરૂમનું વિભાજન (સેક્શન ડિવાઇડ) કરી દેવાયું હતું.
અભયમ ટીમનું સફળ કાઉન્સિલિંગ
ક્લાસ અલગ થતાં સગીરાના તમામ જૂના મિત્રો બીજા સેક્શનમાં જતા રહ્યા હતા અને તેના નવા ક્લાસમાં તમામ વિદ્યાર્થીઓ અજાણ્યા હતા. જોકે તેની ટ્વિન્સ બહેન પણ એ જ ક્લાસમાં હતી, તેમ છતાં જૂના ફ્રેન્ડ્સથી અચાનક અલગ થઈ જવાનો આઘાત અને ઘરમાં દાદાની વિદાયના તાણે સગીરાને માનસિક રીતે ભાંગી નાખી હતી. તેણે સ્કૂલે જવાનું સદંતર બંધ કરી દીધું અને વાસ્તવિક દુનિયાથી કટ-ઓફ થઈને વર્ચ્યુઅલ દુનિયા એટલે કે સ્માર્ટફોનમાં પોતાની જાતને કેદ કરી લીધી હતી. અભયમની કાઉન્સિલરે સગીરાને જીવનમાં બદલાવ સ્વીકારવા, નવા મિત્રો બનાવવાની કળા અને માતાની આર્થિક-માનસિક સ્થિતિ સમજાવી હતી. ટીમે તેને મોબાઈલના અતિરેકથી થતા નુકસાન અંગે માહિતગાર કરી ફરી સામાન્ય જીવન જીવવા પ્રેરિત કરી હતી. લાંબા કાઉન્સિલિંગ બાદ સગીરાએ આવતીકાલથી નિયમિત સ્કૂલે જવાની ખાતરી આપી હતી. બે મહિના પછી દીકરીના ચહેરા પર ફરી ખુશી જોઈ માતાની આંખો ભીની થઈ ગઈ હતી અને તેમણે 181 ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
પારિવારિક આઘાત વચ્ચે સ્કૂલનું વાતાવરણ બદલાતાં બાળકો 'સોશિયલ વિથડ્રોઅલ'નો ભોગ બને છે
મનોચિકિત્સકોના મતે, જ્યારે બાળક પહેલેથી જ પરિવારમાં કોઈ મોટો આઘાત (જેમ કે પિતા કે દાદાનું મૃત્યુ) સહન કરી રહ્યું હોય, ત્યારે તેના માટે સામાજિક ટેકો એટલે કે તેના સ્કૂલના મિત્રો એક મોટી રાહત હોય છે. અચાનક મિત્રોથી અલગ થતાં બાળક 'સોશિયલ વિથડ્રોઅલ' સિન્ડ્રોમમાં સરી પડે છે અને ડિપ્રેશનથી બચવા માટે મોબાઈલને સહારો બનાવી લે છે. વાલીઓએ આવા સમયે બાળકો પર ગુસ્સો કરવાને બદલે તેમની લાગણીઓ સમજવી જરૂરી છે.

