શહેરના ચાંદલોડિયામાં સ્કૂલે જતી માસૂમ બાળકી પર ટ્રક ફરી વળી, માસૂમનું ઘટનાસ્થળે મોત

અમદાવાદ શહેરમાં દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શહેરનું ટ્રાફિક વિભાગ અકસ્માત ઘટાડવામાં સંદતર નિષ્ફળ નીવડી રહ્યું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. શહેરના ચાંદલોડિયામાં અકસ્માતમાં 5 વર્ષની બાળકીનું મૃત્યું નિપજ્યું છે. એસ.જી 1 ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
બાળકીને શાળાએ મુકવા જઈ રહ્યા હતા પિતા, ટ્રકે મારી ટક્કર
મળતી માહિતી પ્રમાણે, શહેરના ચાંદલોડિયા ગરનાળા પાસે ટ્રક અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક પિતા પોતાની 5 વર્ષની બાળકીને મોટરસાઈકલ પર શાળાએ મુકવા જઈ રહ્યા હતા. આ સમયે એક પૂર ઝડપે આવી રહેલા ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈક પર સવાર બન્ને પિતા-પુત્રી ફંગોળાઈને રોડ પર પડ્યા હતા.
ટ્રકના ટાયર નીચે આવી જતા 5 વર્ષીય બાળકીનું મોત
આ અકસ્માતમાં બાઈક ચાલક પિતાને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જોકે બાળકી રોડ પર પડતાની સાથે જ ટ્રકના ટાયરમાં આવી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ તેનું મૃત્યું નિપજ્યું હતું. 5 વર્ષની બાળકીના મોતને પગલે પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે. સમગ્ર મામલે એસ.જી 1 ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
કાળમુખા ટ્રકોના કારણે થતા મોતને રોકવામાં ટ્રાફિક વિભાગ નિષ્ફળ
નોંધનીય છે કે, શહેરમાં બેફામ દોડતા ટ્રક અનેક લોકોની જીંદગી છીનવી રહ્યા છે. તેમ છતા ટ્રાફિક વિભાગની આંખો ઉઘડતી હોય તેમ લાગી રહ્યું નથી. રસ્તાઓ પર દોડતા આ કાળમુખા ટ્રકોના કારણે થતા મોતને રોકવા માટે કોઈસદંતર પગલાં લેવાય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.








