Ahmedabad: 9 દિવસમાં 3 જીવલેણ હુમલા, ખુલ્લેઆમ તલવારો-ધારિયા જેવા હથિયારોથી લુખ્ખા તત્વોનું તાંડવ; ક્યાં છે ગોમતીપુર પોલીસ?

સોર્સ : GSTV
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં હવે પ્રશ્ન માત્ર ગુનાનો નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થાના સંપૂર્ણ ધરાશાયી થવાનો છે. માત્ર 19 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર — નવ દિવસમાં ત્રણ જીવલેણ બનાવો થયા, જેમાં તલવાર, ધારિયા અને ચાકુ જેવા ઘાતક હથિયારો ખુલ્લેઆમ વપરાયા. છતાં, સ્થાનિક પોલીસની કામગીરી માત્ર “તપાસ ચાલુ છે”ના રટણ સુધી સીમિત રહી છે.
પિતાની પુણ્યતિથી પણ સલામત નહીં — સાત શખ્સોનો જીવલેણ હુમલો
ગોમતીપુરની નુરભાઈ ધોબીની ચાલીમાં રહેતા 35 વર્ષીય યુવક પિતાની વાર્ષિક પુણ્યતિથી માટે બહેનના ઘરે આવ્યો હતો. 27 ડિસેમ્બરની રાતે યુવક ચાલીની બહાર નીકળ્યો એટલું જ પૂરતું હતું. જૂની અદાવતના નામે સાત શખ્સોએ ટોળું બનાવી બેઝબોલ, તલવાર અને ચાકુ વડે યુવક પર હુમલો કરી લોહીલુહાણ કર્યો.
આ હુમલો માત્ર એક વ્યક્તિ પર નહીં, પરંતુ સમગ્ર કાયદા વ્યવસ્થાની ગાલ પર પડેલો તમાચો ગણાય. કારણ કે આવી ઘટનાથી એક જ પ્રશ્ન ઊભો થાય છે — જો પુણ્યતિથી માટે આવેલા વ્યક્તિનો જીવ સુરક્ષિત નથી, તો સામાન્ય નાગરિક કેટલો સુરક્ષિત હશે?
નવ દિવસ, ત્રણ હુમલા – ગોમતીપુર પોલીસની નિષ્ફળતાનો રિપોર્ટ કાર્ડ
1- 19 ડિસેમ્બરઃ નમાજ પઢી ઘરે આવતો યુવક — “મારી સામે કેમ જુએ છે?” જેવા સામાન્ય પ્રશ્નથી ઝઘડો, બાદમાં ત્રણ શખ્સો તલવાર લઈને યુવકના ઘરે પહોંચે છે. કાયદાનો ખુલ્લો મજાક બનાવે છે.
2- 21 ડિસેમ્બરઃ માતા માટે રાહ જોઈ રહેલા યુવક પર ચાર શખ્સો પાછળથી આવીને તલવાર અને ધારિયા વડે જીવલેણ હુમલો કરે છે. જાહેર રસ્તા પર હત્યાનો પ્રયાસ.
3- 27 ડિસેમ્બરઃ પિતાની પુણ્યતિથીએ આવેલા યુવક પર સાત શખ્સો દ્વારા ઘાતક હથિયારો વડે હુમલો. હત્યાનો સ્પષ્ટ પ્રયાસ.
આ ત્રણેય બનાવો એક જ વિસ્તારના હોવા છતાં પોલીસ પ્રિવેન્ટિવ એક્શન ક્યાં હતું? પેટ્રોલિંગ ક્યાં હતું?
ઈજાગ્રસ્ત યુવકની બહેનનો આરોપ – “ધમકી આપી ફરાર થઈ ગયા”
ઈજાગ્રસ્ત યુવકની બહેન યાસ્મીના પઠાણે જણાવ્યું, “હું બહાર નીકળી ત્યારે ટોળું દેખાયું. મારો ભાઈ લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. સાતેય આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી અને પોલીસ આવે એ પહેલાં ફરાર થઈ ગયા.” આ આપવીતીથી સ્પષ્ટ થાય છે કે ગુનેગારોને પોલીસનો કોઈ ડર નથી.
હુમલાખોરોના નામ ખુલ્લેઆમ — તો ધરપકડ કેમ નહીં?
27 ડિસેમ્બરના હુમલામાં સામેલ સાત આરોપીઓના નામ પોલીસ રેકોર્ડમાં હોવા છતાં હજુ સુધી કડક કાર્યવાહી કેમ નથી?
આરોપીઓના નામ
•જમીરુદ્દીન નિઝામુદ્દીન શેખ
•વસીમ નિઝામુદ્દીન શેખ
•શાહબાઝ ખલીલ શેખ
•આદીલ શેખ
•સાહિલ શેખ
•અલ્તાફ
•સરફરાજ
સ્થાનિકોમાં ભય, પોલીસ સામે રોષ
ગોમતીપુરમાં હવે લોકો ખુલ્લેઆમ કહે છે કે “અહીં પોલીસ નહીં, અસમાજિક તત્વોનું રાજ છે.” રાત પડતાં લોકો ઘરમાં બંધ થવા મજબૂર છે. વેપારીઓ ડર હેઠળ ધંધો કરે છે. માતા-પિતા બાળકોને બહાર મોકલતા પહેલાં દસ વાર વિચારે છે.
સવાલ સીધો છે…
•શું ગોમતીપુર પોલીસ સ્ટેશન અસમાજિક તત્વો માટે ‘સેફ ઝોન’ બની ગયું છે?
•કેમ વારંવારના હુમલા પછી પણ કોઈ ડર પેદા થતો નથી?
•શું પોલીસ માત્ર FIR નોંધવા પૂરતી સીમિત રહી છે?
લોક માગ ઉગ્ર બની
હવે સ્થાનિકોમાં એક જ માંગ ઉઠી રહી છે કે, ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક કડક, નિષ્પક્ષ અને પરિણામ આપનારા અધિકારીની નિમણૂક થાય, નહીં તો સ્થિતિ વધુ બગડશે તે નિશ્ચિત છે.

