Ahmedabad news: સિવિલ હોસ્પિટલમાં પહેલા નોરતે થયું 214મું અંગદાન, સિંધી સમાજમાંથી મળ્યું પ્રથમ અંગદાન

Ahmedabad news: નવરાત્રિના પાવન પ્રારંભે અમદાવાદ સિવિલ હોસ્પિટલને 214મું અંગદાન પ્રાપ્ત થયું છે. સિંધી સમાજમાંથી સિવિલ હોસ્પિટલને મળેલું આ પ્રથમ અંગદાન છે. આ 214માં અંગદાનથી એક લીવર, બે કિડની અને બે ચક્ષુ પ્રાપ્ત થયાં છે, જેના પરિણામે પાંચ પરિવારોમાં ખુશીના દીવા પ્રગટ્યા છે. સિવિલ હોસ્પિટલને 214મું અંગદાન અમદાવાદના નવા નરોડામાં રહેતા નરેશભાઈ બાલાણી તરફથી પ્રાપ્ત થયું છે.
સિવિલ હોસ્પિટલ ખાતે થયેલા 214મા અંગદાનની વિગતો જોઈએ તો અમદાવાદના 65 વર્ષીય નરેશભાઈને તા. 17 સપ્ટેમ્બરના રોજ ચક્કર આવીને ઊલટી થઈ. તેઓ બેભાન થતાં પહેલાં નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલા. બાદમાં વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 21મી સપ્ટેમ્બરના રોજ ડૉક્ટરોએ નરેશભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. ભાવેશ પ્રજાપતિ દ્વારા નરેશભાઈની બ્રેઇનડેડ પરિસ્થિતિ અને અંગદાન વિશે હોસ્પિટલમાં હાજર તેમનાં પત્ની સંધ્યાબહેનને સમજાવાયા. સંધ્યાબહેને માનવધર્મનું પાલન કરીને પતિ નરેશભાઈનાં અંગોનું દાન કરવા સંમતિ આપી હતી. આ અંગદાનથી પાંચ પરિવારોના ઘરમાં ખુશીઓ છવાઈ હતી.
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ અંગદાન અંગે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં કુલ 214 અંગદાન થકી કુલ 708 અંગોનું દાન મળ્યું છે. આમ જોઈએ તો 152 ચક્ષુ તેમજ 24 ચામડી મળી કુલ 176 પેશીઓ સાથે કુલ 884 અંગો તેમજ પેશીઓનું દાન સિવિલ હોસ્પિટલ દ્વારા મેળવવામાં આવ્યું છે.
આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 189 લીવર, 392 કિડની, 17 સ્વાદુપિંડ, 68 હૃદય, 6 હાથ, 34 ફેફસાં, 2 નાનાં આંતરડાં, 152 ચક્ષુ તથા ૨૪ ચામડીનું દાન મળ્યુ છે, એવું તેમણે ઉમેર્યું હતું.
સિવિલ હોસ્પિટલમાં થયેલ આ અંગદાનથી મળેલ 2 કિડની અને 1 લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે તેમજ મળેલ બે આંખોનું દાન સિવિલ મેડિસિટીની એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે, તેમ ડૉ. જોષીએ જણાવ્યું હતું

