અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચેઝર નામના બહાદુર કુતરા અને જાગૃત નાગરિકની મદદથી નવજાત શિશુને બચાવ્યું
Ahmedabad Rural Police saved a newborn with help of Heroic Dog named Chaser | Ahmedabad News : અમદાવાદ ગ્રામ્ય પોલીસે બોપલ પોલીસ સ્ટેશનના હદમાં આવેલા શી

Ahmedabad News : અમદાવાદ ગ્રામ્ય પોલીસે બોપલ પોલીસ સ્ટેશનના હદમાં આવેલા શીલજ ગામ નજીકના રોહિત વાસ પાસેથી ચેઝર નામના બહાદુર કૂતરા અને સેવાભાવી નાગરિકની મદદથી ત્યજી દેવાયેલા નવજાત શિશુને બચાવ્યું છે. આ નવજાત શિશુને તેના માતા-પિતાએ ત્યજી દીધું હતું અને રોડ પર ખુલ્લામાં પડ્યું હતું અને તેની આસપાસ કુતરાઓ ભસી રહ્યાં હતા.
આ દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલી શ્વેતા નામની યુવતીએ આ દૃશ્ય જોયું અને તેણે નવજાત શિશુને બચાવીને તરત જ પોલીસને જાણ કરી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી નવજાત શિશુને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યું હતું અને શિશુની સારસંભાળ માટે મહિલા પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.
ગુનાની તપાસ માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસે શિશુ મળી આવ્યું હતું તે સ્થળને કોર્ડન કર્યું હતું અને તપાસ દરમિયાન એક દુપટ્ટો મળી આવ્યો હતો. પોલીસે શિશુના માતાપિતાને શોધવા માટે ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી.
અમદાવાદ ગ્રામ્ય પોલીસના ચેઝર નામના કૂતરાએ ઘટનાસ્થળથી લગભગ 500 મીટર દૂર જઈને એક ઘરના પહેલા માળે ગયો હતો, જ્યાં એક રૂમમાં પલંગ પર એક મહિલા બેભાન અવસ્થામાં મળી આવી હતી. બોપલ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલે તાત્કાલિક આ મહિલા પાસે પહોંચી અને તેને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. હાલ મહિલાની સારવાર ચાલી રહી છે પરિસ્થિતિમાં સુધારો આવ્યા બાદ બોપલ પોલીસ આ મહિલાનું નિવેદન લેશે ત્યારબાદ સમગ્ર હકીકત સામે આવી શકે તેમ લાગી રહ્યું છે.
ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ ડોગની ભૂમિકા ઘણી મહત્વની રહેતી હોય છે ભૂતકાળમાં અમદાવાદ શહેરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ હોય કે પછી મોટા રાયોટીંગ જેવા બનાવો બન્યા હોય તે સમયે આરોપીઓ સુધીનું પગેરુ મેળવવા માટે પોલીસ ડોગની ખૂબ જ મહત્વની ભૂમિકા રહેલી હોય છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે જાગૃત નાગરિક શ્વેતાની મદદથી અને ચેઝર નામના કૂતરાની મદદથી ગુનો શોધી કાઢ્યો હતો. નવજાત બાળકની સ્થિતિ હવે સ્થિર છે અને તેને યોગ્ય સંભાળ મળી રહી છે. આ સમગ્ર કેસમાં હકીકત ત્યારે જ સામે આવશે જ્યારે સારવાર લઈ રહેલી મહિલા પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવશે. મળી આવેલા નવજાત શિશુ અને અને કહેવાતી માતાના DNA સેમ્પલ લઈને પોલીસે પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.
બીજી તરફ બોપલ પોલીસની એક ટીમે વધુ તપાસ હાથ ધરીને શીલજ, બોપલ, સહિતના આસપાસના વિસ્તારોમાં ગાયનેક હોસ્પિટલમાં તપાસ આરંભી છે કે છેલ્લા 48 કલાકમાં કેટલા બાળકોએ જન્મ લીધો છે અને તેઓના વાલી-વારસદાર કોણ છે.








