AHMEDABAD : માધુપુરા સટ્ટાકાંડના કિંગપીન આરોપી દીપક ઠકકરના 4 દિવસના રિમાન્ડ મંજૂર
Ahmedabad News : અમદાવાદ ગ્રામ્ય કોર્ટે માધુપુરા સટ્ટાકાંડના કિંગપીન આરોપી દીપક ઠકકરના 4 દિવસના

Ahmedabad News : અમદાવાદ ગ્રામ્ય કોર્ટે માધુપુરા સટ્ટાકાંડના કિંગપીન આરોપી દીપક ઠકકરના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેની સામે કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દીપક ઠકકરને રિમાન્ડ પૂર્ણ થયા બાદ 6 સ્પટેમ્બરે સવારે 11 કલાકે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
2300 કરોડનો ગેરકાયદેસર કારોબાર, દુબઇથી દીપક ઠકકરનો કબ્જો મેળવાયો
અમદાવાદના માધુપુરામાં દોઢ વર્ષ પહેલા પીસીબીના અધિકારીઓએ દરોડો પાડીને ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ કૌભાંડ અને ડબ્બા ટ્રેડીંગનો પર્દાફાશ થયો હતો. જેમાં મુખ્ય આરોપી હર્ષિત જૈન અન્ય લોકો સાથે મળીને 2300 કરોડનો ગેરકાયદેસર કારોબાર કરતો હોવાનું સામે આવ્યું હતું.
હર્ષિત જૈન સાથે ડબ્બા ટ્રેડીંગનું કૌભાંડ આચરવાના કેસમાં દીપક ઉર્ફે ડીલક્ષ ધીરજલાલ ઠક્કર (રહે. અંબિકાનગર સોસાયટી, ભાભર, બનાસકાંઠા)ની સંડોવણી સામે આવી હતી. જે દુબઇમાં રહીને સેટેલાઇમાં આવેલા પીએનટીસી કોમ્પ્લેક્સમાં વીવીઆઇપી સોફ્ટવેરની શેરબજારની ઓફિસની આડમાં ડબ્બા ટ્રેડીંગ કરતો હતો. આ માટે તેણે વેલોસીટી સર્વર મેટા ટ્રેડ એપ્લીકેશનથી ડબ્બા ટ્રેડીંગનું આઇ ડી મેળવીને સમગ્ર કૌભાંડ આચરતો હતો. જેથી દુબઇથી તેની ધરપકડ કરવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા લુક આઉટ નોટીસ ઇસ્યુ કરવા ઉપરાંત,ઇન્ટરપોલને દરખાસ્ત કરીને રેડ કોર્નર નોટીસ પણ ઇસ્યુ કરવામાં આવી હતી, જે નોટીસના આધારે યુનાઇટેડ આરબ એમીરાતના સીઆઇડી ક્રાઇમ યુનિટે દીપક ઠક્કરની ધરપકડ હતી. જેના આધારે ગુજરાતના ગૃહ વિભાગ મારફતે કેન્દ્રના ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા યુએઇ પોલીસને પ્રત્યાર્પણની દરખાસ્ત મોકલવામાં આવી હતી.
આ દરખાસ્તમંજુર થતા સ્ટેટ મોનીટરીંગ સેલના આઇજીપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે ટી કામરિયા સહિતની ટીમ દુબઇ પહોંચી હતી અને દીપક ઠક્કરનો સત્તાવાર કબ્જો મેળવ્યો હતો.








