મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પ્રેમીએ વીડિયોકોલમાં કહ્યું - “મરી જા”, અપહરણ, દુષ્કર્મ અને તરછોડાયા બાદ સગીરાએ કર્યો આપઘાત

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ગત 4 એપ્રિલ 2024ના રોજ એક 17 વર્ષની

પ્રેમીએ વીડિયોકોલમાં કહ્યું - “મરી જા”, અપહરણ, દુષ્કર્મ અને તરછોડાયા બાદ સગીરાએ કર્યો આપઘાત

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ગત 4 એપ્રિલ 2024ના રોજ એક 17 વર્ષની સગીરાએ રૂમમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ કેસની તપાસમાં પોલીસે આ સગીરાને મરવા માટે મજબૂર કરનાર તેના પ્રેમીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. આરોપી યુવક પંજાબના લુધિયાણાથી આ સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરી અમદાવાદ લઇ આવ્યો હતો અને દુષ્કર્મ આચરી સગીરાને તરછોડી દીધી હતી અને બાદમાં વીડિયોકોલમાં ઝઘડો કરીને આત્મહત્યા કરવાનું કહ્યું હતું. 

બિહારના સિવાન જિલ્લાના ચકીયા તાલુકાના શંકરપુર ગામમાં રહેતા આરોપી ગુડ્ડુ ઉર્ફે સુદુલ દિના યાદવે 28 ફેબ્રુઆરી 2024ના રોજ પંજાબના લુંધીયાણા જિલ્લાના ચંડારી ગામમાંથી મૂળ બિહારના 45 વર્ષીય પુરુષની 17 વર્ષીય સગીર પુત્રીનું લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું. 

ગુડ્ડુ આ સગીરાનું અપહરણ કરીને અમદાવાદ લઈ આવ્યો હતો અને શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ભાગ્યોદય સોસાયટીમાં રૂમ ભાડે રાખીને રહેતો હતો. અહીં ગુડ્ડુએ સગીરા સાથે અવારવાર ઝઘડો કરીને ત્રાસ આપ્યો હતો અને બાદમાં સગીરાને તરછોડીને રાજસ્થાન ભાગી ગયો હતો. 

ગુડ્ડુ રાજસ્થાન જઈને પણ આ સગીરા સાથે ફોનમાં ઝઘડો કરતો હતો. ગત 4 એપ્રિલ 2024ના રોજ ગુડ્ડુ અને સગીરાએ વીડિયોકોલમાં વાત કરી હતી, આ દરમિયાન ઝઘડો થતા ગુડ્ડુએ સગીરાને મરી જવાનું કહ્યું હતું. આથી સગીરાને લાગી આવતા ઘાટલોડિયા ખાતેની રૂમમાં જ દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. 

સગીરાએ આત્મહત્યા કરી લેતા ગુડ્ડુએ બિહારમાં રહેતા સગીરાના સંબંધી રાજકિશોર નામના વ્યક્તિને સગીરાનો મૃતદેહ વતન લઈ જવા કહ્યું હતું. આ રાજકિશોર નામનો વ્યક્તિ સગીરાનો મૃતદેહ લઈને નીકળ્યો હતો અને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં મૃતદેહને છોડીને ભાગી ગયો હતો. 

પાલનપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી, ત્યારબાદ આ કેસને અમદાવાદ સોલા હાઈકોર્ટ પોલીસને ટ્રાન્સફર કર્યો હતો. સોલા હાઈકોર્ટ પોલીસે તપાસ કરીને આરોપી ગુડ્ડુ ઉર્ફે સુદુલ દિના યાદવની રાજસ્થાનથી ધરપકડ કરી છે. મૃતક સગીરાનાના પિતાની ફરિયાદને આધારે સોલા હાઇકોર્ટ પોલીસે આરોપી ગુડ્ડુ પર IPC 363, 366 અને 305 કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. 

આ સમાચાર શેર કરો