મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ / વસ્ત્રાપુર જૂથ અથડામણમાં ટ્રાફિક પોલીસ અધિકારી સહિત 14 સામે નોંધાઈ ફરિયાદ

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર ગામમાં ગઈકાલે 24 એપ્રિલની રાત્રે એક જ કોમના બે જૂથ સામસામ

અમદાવાદ / વસ્ત્રાપુર જૂથ અથડામણમાં ટ્રાફિક પોલીસ અધિકારી સહિત 14 સામે નોંધાઈ ફરિયાદ

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર ગામમાં ગઈકાલે 24 એપ્રિલની રાત્રે એક જ કોમના બે જૂથ સામસામે આવી ગયા હતા. આ જૂથ અથડામણમાં પથ્થરમારો તેમજ મારામારીની ઘટના ઘટી હતી. આ અથડામણમાં 5 જેટલા લોકોને ઈજાઓ થઈ હતી, જયારે એક વૃદ્ધાનું મોત થયું હતું. 

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સેમસામે ફરિયાદ નોંધાઈ છે. બંને ફરિયાદમાં કુલ 14 જેટલા આરોપીઓ સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે, જેમાં ગાંધીનગરના ટ્રાફિક પીઆઈ ગોવિંદભાઈ કે. ભરવાડનો પણ સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ સામે રાયોટીંગ અને હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. 

પોલીસની ખાતરી બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો

જૂથ અથડામણની આ ઘટનામાં પથ્થરમારા દરમિયાન 70 વર્ષીય લીરીબેન મેવાડાનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાના પરિવારજનોએ આરોપીની ધરપકડ ન થાય અને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આખરે પોલીસે કાર્યવાહીની ખાતરી આપ્યાં બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. 

મંદિરના પાટોત્સવની પત્રિકા બની જૂથ અથડામણનું કારણ

વસ્ત્રાપુર ગામમાં ભરવાડવાસમાં 30થી 35 વર્ષ જૂનુ રાધેકૃષ્ણ મંદિર આવેલુ છે. દર પાંચ વર્ષે આ મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. આ પાટોત્સવની પત્રિકામાં  ત્રણ નામ લખાવવા બાબતે મામલો બિચક્યો હતો અને બાદમાં ઝઘડો થયો હતો.

બાદમાં આ ઝઘડો ઉગ્ર બનતા  બે પક્ષના 20થી વધુ લોકો સામસામે આવી ગયા હતા અને બાદમાં પથ્થરમારો થયો હતો. પથ્થરમારાની ઘટનાની જાણ થતા જ વસ્ત્રાપુર પોલીસની આઠથી વધુ ગાડીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. PI, ACP અને DCP કક્ષાના અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને મામલો શાંત પાડ્યો હતો. 

આ સમાચાર શેર કરો