અમદાવાદ: પ્રેમીને મોતને ઘાટ ઉતારનાર માતા અને પુત્રની ધરપકડ, પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી દીધી હતી
ભાભોરના 40 વર્ષીય યુવકની ફિલ્મી ઢબે હત્યા મામલે પોલીસે પુરાવાનો નાશ કરનારા માતા-પુત્રની બોપલ પોલ

ભાભોરના 40 વર્ષીય યુવકની ફિલ્મી ઢબે હત્યા મામલે પોલીસે પુરાવાનો નાશ કરનારા માતા-પુત્રની બોપલ પોલીસે ધરપકડ કરી છે. તમને જણાવી દઇએ કે, મૃતક યુવકને આરોપી લક્ષ્મીબા વાઘેલા સાથે 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો.
બનાસકાંઠાના ભાભોરમાં રહેતા અને ડ્રાઈવિંગનું કામ કરતા પ્રભુરામ નામના યુવકને તેના જ મિત્રની પત્ની લક્ષ્મીબા વાઘેલા સાથે 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધની જાણ તેના પતિ અને પુત્રને હતી. લક્ષ્મીબાના પતિનું બીમારીના કારણે ગત ફેબ્રુઆરી માસમાં નિધન થયું હતું. ત્યાર બાદથી મહિલાનો દીકરો અર્જુન વાઘેલા માતાના પ્રેમી પ્રભુરામ ઠાકોરને મારવા માટે કાવતરૂ રચી રહ્યો હતો.
તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો
21મેના રોજ લક્ષ્મીબા અને મૃતક પ્રભુરામ બનાસકાંઠાથી અમદાવાદ ખાતે કામ કરતા દીકરા અર્જુનને મળવા માટે આવ્યા હતા . 22મી તારીખે અર્જુને પ્રભુરામના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યાર બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને ત્યાં પડેલા લાકડાના ઢગલામાં નાખીને સળગાવી દીધી હતી. બીજા દિવસે લક્ષ્મીબા બનાસકાંઠા જતા રહ્યા હતા.
લાશને સળગાવ્યા બાદ આરોપીએ મૃતકનો ફોન ટ્રેનમાં ફેંકી દીધો
પ્રભુરામની હત્યા અને તેની લાશને સળગાવ્યા બાદ અર્જુને મૃતકનો મોબાઇલ ફોન બોપલ નજીકથી જતી ટ્રેનમાં ફેંકી દીધો હતો. બાદમાં અમદાવાદ ખાતે પોતાના કામે લાગી ગયો હતો. જોકે, બનાવના ત્રણ દિવસ બાદ લાશ સળગાવી હતી તે જગ્યા પર આવી ને મળેલા હાડકાને થેલીમાં ભરીને કેનાલમાં ફેંકી દીધા હતા.
મૃતકના ભાઈએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી
24મેના રોજ ભાભોર ખાતે મૃતકના ભાઈએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.જેની તપાસમાં ભાભોર ગામમાં તપાસ દરમિયાન અમદાવાદ પ્રેમિકા લક્ષ્મીબા સાથે ગયા હોવાની માહિતી મળી હતી. જેને લઇને ભાભોર પોલીસે મહિલા લક્ષ્મીબાની અટકાયત કરતા તેના પુત્ર અર્જુન સિંહે બોપલ પોલીસ મથકે આવીને સમગ્ર હત્યાકાંડ અંગે માહિતી આપીને સરેન્ડર કર્યું હતું. બોપલ પોલીસે હાલ તો હત્યા અને લાશને જે જગ્યા પરથી સળગાવી હતી તે જગ્યા પરથી મળેલા હાડકાના DNA ટેસ્ટ અને હત્યા કરવા પાછળ અન્ય કોઈ કારણ છે કે પછી આ જ કારણ તે અંગે પણ તપાસ શરૂ કરી છે.








