અમદાવાદ એરપોર્ટ પર અબુધાબીથી સ્મગલિંગ કરતું દંપતી ઝડપાયું, 13.80 કરોડની બે ઘડિયાળ જપ્ત
અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સ્મગલર્સ માટે હબ બની ગયું છે અને છાસવા

અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સ્મગલર્સ માટે હબ બની ગયું છે અને છાસવારે દાણચોરીની ઘટના સામે આવી રહી છે. એરપોર્ટમાં હવે અબુધાબીથી આવી રહેલા દંપતી પાસેથી કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા રૂપિયા 13.80 કરોડની ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ વડોદરાઃ બર્થ ડે ઉજવી પાછા ફરતા બે મિત્રોની કાર તળાવમાં ખાબકી, એકનું મોત - એકનો બચાવ
અમદાવાદ એરપોર્ટથી કસ્ટમ્સ દ્વારા જપ્ત કરાયેલી ઘડિયાળો પૈકી એક ઘડિયાળની કિંમત 12 કરોડ 50 લાખ રૂપિયા છે જ્યારે બીજી ઘડિયાળની કિંમત 1 કરોડ 30 લાખ રૂપિયા છે. આમ કુલ 13 કરોડ 80 લાખ રૂપિયાની સ્મગલિંગની ઘડિયાશળો જપ્ત કરાઈ છે. પેસેન્જર બેગેજમાં લવાતી ઘડિયાળો પર 40 ટકા ડ્યુટી લેવાય છે પણ આ દંપતિએ કસ્ટમ્સ વિભાગના અધિકારીઓની આંખોમાં ધૂળ નાંખવા માટે ઘડિયાળો હાથમાં પહેરી હતી જ્યારે બોક્સ બેગેજમાં મૂકી દીધા હતા. આ ઉપરાંત પતિ અને પત્ની અલગ-અલગ ફ્લાઇટમાં આવ્યાં હતાં.
પતિ એર અરેબિયાની ફ્લાઇટમાં અમદાવાદ આવ્યો હતો. તેના અડધો કલાકના અંતરમાં જ ઈન્ડિગોની ફ્લાઇટ માં તેની પત્ની આવી હતી. બંને ઇન્ટરનેશનલ એરપોર્ટના એરેવલ પાસે કન્વેયર બેલ્ટ નજીક લગેજ લેવા માટે ઉભા હતા તે દરમિયાન લગેજ લઈને નિકળતી વખતે કસ્ટમના એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓને શંકા જતાં તેમણે પૂછપરછ કરી હતી પરંતુ દંપતીએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો તેથી તેમના સામાનની તપાસ કરતા તેમાંથી ઘડિયાળના બોક્સ મળી આવ્યા હતા અને પછી તેમના હાથ ઉપર પહેરેલી ઘડિયાળો દેખાઈ હતી.
ઘડિયાળના મોડલ નંબર પરથી કસ્ટમર અધિકારીઓને ખબર પડી કે આ બંને ઘડિયાળો ભારતમાં બહુ ઓછા લોકો પહેરતા હોય છે. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અત્યાર સુધીમાં આટલી મોંઘી ઘડિયાળો પકડાઈ હોય તેવો પહેલો કિસ્સો નોંધાયો છે કસ્ટમ વિભાગ એ પતિ પત્નીના નિવેદનો લીધા છે અને બંનેની ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમ્સ અધિકારીઓએ તેમની ટ્રાવેલ હિસ્ટ્રી અને પ્રોફાઈલ પણ ચેક કરતાં ખબર પડી કે આ દંપત્તિ અવારનવાર દુબઈ અને અબુધાબી જાય છે. કસ્ટમના અધિકારીઓ તપાસ કરતા એવી માહિતી બહાર આવી કે મહિલા પેસેન્જર પાસે ઓડેમોર્સ પીગેટનું રોયલ મોડલ હતું જેની કિંમત એક કરોડ 30 લાખ થવા જાય છે જ્યારે તેના પતિ પાસેથી રિચડ મિલે ની કાંડા ઘડિયાળ મળી છે જેની કિંમત 12 કરોડ પચાસ લાખ છે.
રૂ. 5.52 કરોડની ડ્યુટી બચાવવા જતાં જેલભેગા થયા
ભારતમાં ધનવાન વ્યક્તિઓની સંખ્યા વધારે છે પણ તેઓ પણ 12-15 કરોડની ઘડિયાળ ભાગ્યે જ પહેરતા હોય છે. આવી ઘડિયાળ પેસેન્જર કોના માટે લઈને આવ્યા હતા તેની તપાસ ચાલી રહી છે. આવી ઘડિયાળો ભારતમાં ઈમ્પોર્ટ કરવામાં આવે તેના બદલે પેસેન્જર ફ્લાઇટમાં લઈને આવે તો કસ્ટમ ડ્યુટી બચી જાય છે. હાલ જે ઘડિયાળો પકડાઈ છે તે બંને ઘડિયાળની મૂળ કિંમત 13 કરોડ 80 લાખ છે જેના પર પેસેન્જરને બેગેજ ડ્યુટી 40% ભરવી પડે છે એટલે કસ્ટમ ડ્યુટી 5 કરોડ 52 લાખ રૂપિયા થવા જાય છે.
ઘડિયાળ લેવા આવનારો સાત કલાક બેઠો પછી ફરાર
અમદાવાદ એરપોર્ટ ઉપર ઘડિયાળો લેવા માટે આવેલો શખ્સ એરપોર્ટના ટર્મિનલ ટુ બિલ્ડિંગની બહાર સાત કલાક સુધી રાહ જોઈને બેઠો હતો. ત્યારબાદ તેણે દુબઈમાં ફોન કર્યો હતો ત્યારે ખબર પડી કે કસ્ટમ વિભાગે એ પકડી લીધા છે ત્યાર પછી તે ત્યાંથી ભાગી ગયો હતો
સ્મગલર દંપતિનો અબુધાબીમાં પર્ફ્યૂમનો બિઝનેસ
અમદાવાદના એરપોર્ટ પર પકડાયેલા દંપતીની મોડી રાત્રે સુધી પૂછપરછ કરાઈ હતી અને બંને જણા અબુધાબીમાં પફ્ર્યુમ નો બિઝનેસ કરતા હોવાનું જણાવ્યું હતું. બંને રાજસ્થાનના પ્રતાપગઢ ના રહેવાસી છે અને એક લગ્ન પ્રસંગે હાજરી આપવા માટે આવ્યા હતા અમદાવાદ આવે તે પહેલા પેસેન્જરના મામાએ આ ઘડિયાળ તેમને આપી હતી અને એવું કહ્યું હતું કે તમે એરપોર્ટની બહાર નીકળશો એટલે હું ફોન કરું એ વ્યક્તિને ઘડિયાળ આપી દેજો.








