દક્ષિણ ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજની પધરામણી, વરસાદી ઝાપટાથી વાતાવરણમાં છવાઈ ઠંડક
સુરત, વલસાડ સહિત નવસારી શહેરમાં શ્રાવણમાં વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. જે

સુરત, વલસાડ સહિત નવસારી શહેરમાં શ્રાવણમાં વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. જેથી વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી. તીઘરા રોડ, સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. શહેરના અનેક માર્ગો ઉપર સામાન્ય વરસાદમાં પાણીનો ભરાવો જોવા મળ્યો છે. સાથે જ ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. શ્રાવણનો બીજો સોમવાર હોવાથી નવસારી જિલ્લાના વિવિધ શિવાલયોમાં શિવભક્તો દર્શન માટે આવતો હોય છે.
ગરમીમાંથી રાહત
હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી, તે મુજબ વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેમ જ બફારો અને ગરમીથી શહેરીજનોને મુક્તિ મળી છે. છેલ્લા કેટલાક સમયથી નવસારી શહેરમાં ગરમીનું જોર વધ્યું હતું અને અકળાવનારી ગરમીને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું હતું.
સર્વેની માગ
ફરીવાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોમાં આનંદ ફેલાયો છે. જિલ્લામાં અગાઉ ધોધમાર વરસાદથી વ્યાપક નુકસાની પણ નોંધાઈ હતી, જેનો સર્વે પૂર્ણ થયા બાદ ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે પૂરના પાણી ખેતરોમાં પ્રસરી જતા શેરડી, ડાંગર તેમજ શાકભાજી પાકોને વ્યાપક નુકસાન નોંધાયું છે. નવસારી જિલ્લામાં દર વર્ષે પૂરની સ્થિતિ ઊભી થાય છે જેને કારણે અનેક ખેડૂતો તેમજ નીચાણવાળા વિસ્તારના સ્થાનિકોને નુકસાન વેઠવાનો વારો આવે છે.








