મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગિરિમથક સાપુતારામાં લાંબા સમયથી બંધ એડવેન્ચર એક્ટિવિટી ફરી શરૂ, પ્રવાસીઓમાં આનંદ

રાજકોટ ગેમઝોનમાં આગની ઘટના બાદ સાપુતારા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલ એડવેન્ચર પાર્ક બંધ કરવામાં

ગિરિમથક સાપુતારામાં લાંબા સમયથી બંધ એડવેન્ચર એક્ટિવિટી ફરી શરૂ, પ્રવાસીઓમાં આનંદ

રાજકોટ ગેમઝોનમાં આગની ઘટના બાદ સાપુતારા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલ એડવેન્ચર પાર્ક બંધ કરવામાં આવ્યા હતા. જોકે હાલમાં સરકાર દ્વારા નવા નીતિ-નિયમો બનાવીને એડવેન્ચર પાર્ક ખુલ્લા મુકવામાં આવ્યા છે. સાપુતારા ખાતે આવેલ સહ્યાદ્રિ એડવેન્ચર એક્ટિવિટીને પણ મંજૂરી મળી છે. સાપુતારામાં લાંબા સમયથી બંધ એડવેન્ચર એક્ટિવિટી ફરી શરૂ થતા સ્થાનિકો સાથે પ્રવાસીઓમાં પણ આનંદ છવાયો છે. 

સુરક્ષાનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સરકારની સૂચના 

રાજકોટની ગેમઝોન દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં એડવેન્ચર એક્ટિવિટી પર પ્રતિબંધ મુકાયો હતો. પરંતુ દિવાળીનાં તહેવારોમાં પ્રવાસીઓને મનોરંજન મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.આ ગાઈડલાઈન મુજબ સાપુતારા ખાતે આવેલ સહ્યાદ્રી એડવેન્ચર પાર્કને સુરક્ષાનાં નિયમો સાથે પેરાગ્લાઈડીંગ એડવેન્ચર એક્ટિવિટી કરવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારે આ મંજૂરી આપતા પહેલા સુરક્ષાના તમામ પાસાઓની કાળજીપૂર્વક તપાસ કરી છે. એડવેન્ચર પાર્કને સુરક્ષાનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું છે. જેથી પ્રવાસીઓ સુરક્ષિત વાતાવરણમાં એડવેન્ચરનો આનંદ માણી શકે.

સાપુતારામાં એડવેન્ચર એક્ટિવિટી એક અનોખો અનુભવ

સાપુતારામાં ફરવા આવતા પ્રવાસીઓ હવે દિવાળીના તહેવારોમાં એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણી શકશે તથા સ્થાનિકોમાં પણ રોજગારીની આશા બંધાઈ છે. સાપુતારાની ઠંડી હવા અને લીલોતરી વચ્ચે એડવેન્ચર એક્ટિવિટી એક અનોખો અનુભવ બની રહેશે. ગિરિમથક સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓને એડવેન્ચર એક્ટિવિટીનાં સંચાલક દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેઓ એડવેન્ચર એક્ટિવિટી દરમિયાન સુરક્ષાનાં નિયમોનું પાલન કરે. સુરક્ષા કર્મચારીઓની સૂચનાઓનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. 

સાપુતારામાં બોટિંગ અને રોપવે હજી પણ બંધ

આ નિર્ણયથી સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના જોવા મળી રહી છે. રાજય સરકાર દ્વારા એડવેન્ચર એક્ટિવિટીને મંજૂરી આપી દીધી છે, જે આવકારદાયક નિર્ણય છે. પરંતુ સાપુતારામાં લાંબા સમયથી બંધ પડેલ બોટિંગ અને રોપવે અંગે પણ નિર્ણયો લઈ સુરક્ષાનાં ધોરણો સાથે વહેલી તકે ચાલુ કરવામાં આવે તો સાપુતારા ખાતે દિવાળીનાં વેકેશનને ચાર ચાંદ લાગશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.ત્યારે રાજય સરકાર આ અંગે સત્વરે નિર્ણય લે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો