ગુજરાતમાં વધતા બળાત્કારના બનાવોથી ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માગ સાથે AAPના ધરણા, મહિલા નેતાઓની અટકાયત
સમગ્ર રાજ્યમાં બળાત્કારના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મહિલાઓ પર થતાં અત

સમગ્ર રાજ્યમાં બળાત્કારના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મહિલાઓ પર થતાં અત્યાચારોને રોકવા માટે તથા વધતા બળાત્કારોની ઘટનાથી સીધા જવાબદાર ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માગ સાથે સુરતમાં આમ આદમી પાર્ટીની મહિલા નેતાઓ અને કાર્યકરોએ કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી નારેબાજી કરવાની સાથે સાથે રામધૂન બોલાવી હતી. જેથી પોલીસે અટકાયતી પગલાં ભર્યા હતાં.
રામધૂન બોલાવી
કલેક્ટર કચેરી પટાંગણમાં દેખાવો કરતાં આપના મહિલા નેતાઓ-કાર્યકરોની આવેદનપત્ર આપવા બાબતે પોલીસ સાથે માથાકૂટ સર્જાઈ હતી. જેથી પોલીસે આવેદન પત્ર આપતા પહેલાં જ આપને નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. આવેદન આપવા જાય એ પહેલા જ તમામની અટકાયત કરી અઠવાલાઈન્સ પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે લાવવામાં આવ્યા હતાં.
રાજીનામાની માંગ
સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીભાઇ વાઘાણી, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, કામરેજ તા. પં. વિપક્ષ નેતા જે.ડી. કથીરિયા, રિધમ સોલંકી વિગેરની અટકાયત કરવામાં આવી હતી. જે અંગે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે, કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. નવરાત્રિ શક્તિની આરાધનાનું પર્વ છે. પરંતુ આ પર્વ વચ્ચે પણ સરકાર મહિલાઓનું રક્ષણ કરી શકતી નથી. જેથી નબળા ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું ધરી દેવું જોઈએ.








