સુરતમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ અગાઉ અટકાયત, વિપક્ષ નેતા સહિત AAPના કાર્પોરેટરને ઝડપી લેવાયા
સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ, અઠવાલાઈન્સ ખાતે કાર્યક્રમ છે. સુર

સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ, અઠવાલાઈન્સ ખાતે કાર્યક્રમ છે. સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ/ખાતમુહુર્ત કરવા આવી રહ્યાં છે. ત્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજરી આપવા જતાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષી નેતા પાયલ સાકરિયાની અટકાયત કરી લેવામાં આવી હતી.
અઠવાગેટ ખાતેથી અટકાયત
ઉમરા પાર્ટી પ્લોટમાં રાખવામાં આવેલ મુખ્યમંત્રીના લોકાર્પણ કાર્યક્રમમાં જઈ રહેલા વિપક્ષ નેતા પાયલ સાકરીયાની અઠવાગેટ ખાતેથી અટકાયત કરાઈ હતી. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સત્તાવાર આમંત્રણ હોવા છતાં ભાજપના ઈશારે વિપક્ષ નેતાની અટકાયત કરાઈ હોવાની વાત સામે આવી રહી છે. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પહોંચે તે પહેલા વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હિરપરા, કોર્પોરેટરો શોભનાબેન કેવડીયા, વિપુલભાઈ સુહાગિયાની પણ અટકાયત કરાઈ છે.
ઉમરા પોલીસ સ્ટેશન લઈ જવાયા
અટકાયત કરાયેલા તમામ નેતાઓને ઉમરા પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયા છે. ત્યારે વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે, પાલિકાનો કાર્યક્રમ હોવાથી અમે મળેલા આમંત્રણને લઈને જઈ રહ્યાં હતાં. આ દરમિયાન જ અટકાયત કરી લેવામાં આવી છે. ભાજપના નેતાઓના ઈશારે અટકાયત કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપ અમારાથી ડરીને પોલીસને આગળ કરી રહી છે.








