Video/ તળાવમાં ડૂબી જતાં વિજાપુરના જેપુર ફલૂ ગામના યુવાને જીવ ગુમાવ્યો
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જેપુર ફલૂ ગામની સીમમાં એક હૃદયદ્રાવક
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જેપુર ફલૂ ગામની સીમમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામની હદમાં આવેલા બીલીજર તળાવમાં સિંઘોડા વીણવા ગયેલા એક યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. વહેલી સવારે યુવકની લાશ મળી આવતા પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
પગ ફસાતા સર્જાઈ દુર્ઘટના
મળતી માહિતી મુજબ, યુવક જેપુર ફલૂ ગામના બીલીજર તળાવમાં સિંઘોડા વીણવા માટે ઉતર્યો હતો. સિંઘોડા વીણતી વખતે અચાનક યુવકનો પગ તળાવના કાદવ કે વનસ્પતિમાં ફસાઈ ગયો હતો, જેના કારણે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. યુવક ડૂબ્યો હોવાની જાણ થતા જ સ્થાનિક લોકો અને તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન
ઘટનાની જાણ થતા જ મહેસાણા મનપાની ફાયર ટીમ અને વિજાપુર ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. મોડી રાત સુધી યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ અંધારું હોવાના કારણે ભારે મુશ્કેલી પડી હતી. આજે વહેલી સવારે ફરી સર્ચ ઓપરેશન શરૂ કરાતા તળાવમાંથી યુવકની લાશ મળી આવી હતી.
પરિવારમાં આક્રંદ
ફાયર વિભાગે યુવકના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો, જ્યાંથી તેને પોસ્ટમોર્ટમ (PM) અર્થે વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. યુવકના મોતથી પરિવારજનોમાં કરુણ આક્રંદ છવાઈ ગયો છે.






