અરવલ્લી: ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી નદીમાં કૂદ્યો, 17 કલાક બાદ મૃતદેહ મળ્યો
અરવલ્લી સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બીજી બાજુ ધોરણ-12માં અભ્યાસ કરતો એ

અરવલ્લી સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બીજી બાજુ ધોરણ-12માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી હાથમતી ડેમમાં ડૂબ્યો હતો. આ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
ડેમ પાસેથી યુવકની સ્કૂલબેગ અને એક્ટિવા મળી આવ્યું
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભિલોડાના મઉ ટાંડા ગામનો વતની અને ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો દિપક વણઝારા શુક્રવારથી લાપતા હતો. પરિણામે પરિવારજનો અને અન્ય લોકોએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન ભવનાથ મંદિર પાસે હાથમતી ડેમ પાસેથી યુવકની સ્કૂલબેગ અને એક્ટિવા મળી આવ્યું હતું. જે બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ ભિલોડા પોલીસ, મામલતદાર તથા ટીડીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.
ગુમ યુવક મૃત હાલતમાં મળી આવ્યો
મોડાસા ફાયરની ટીમે સતત 17 કલાક સુધી ડૂબેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી. આખરે ગુમ યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ યુવકે ક્યાં કારણોસર પગલુ ભર્યું તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.








