હવનમાં રક્ઝક / ગોર મહારાજે યજમાનને ધક્કો મારતા થયું મોત, જાણો ક્યાંની છે આ ઘટના
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના રબારીકા ગામે આધેડના મૃત્યુની ચોંકાવના

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના રબારીકા ગામે આધેડના મૃત્યુની ચોંકાવનારી ઘટના ઘટી છે. હવનમાં રક્ઝક થતા ગોર મહારાજે યજમાનને ધક્કો માર્યો હતો, જેને કારણે યજમાનનું મોત થયું હતું.
આ ઘટનાની મળતી માહિતી મુજબ જેતપુર તાલુકાના રબારીકા ગામે 51 વર્ષીય રવજીભાઈ ચોથાભાઈ રાઠોડે પિતૃકાર્યનો હવન રાખ્યો હતો. આ હવન દરમિયાન 70 વર્ષીય ગોર મહારાજા અને યજમાન રવજીભાઈ વચ્ચે દક્ષિણા બાબતે રક્ઝક થયા બાદ ઝઘડો થયો હતો. ગોર મહારાજે યજમાન રવજીભાઈને ધક્કો મારતા તે પડી ગયા હતા અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.
રવજીભાઈને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા ઉદ્યોગનગર પોલીસ જેતપુર સરકારી હોસ્પિટલ દોડી આવી હતી અને રવજીભાઈના મૃત્યુનું સાચું કારણ જાણવા તેમના મૃતદેહના ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ મોકલ્યો છે.






