નસવાડી તાલુકાના વિવિધ ગામડાઓમાં 9 પરપ્રાંતિયોએ નકલી ડોક્ટર બની દવાખાના ખોલી નાખ્યાં
Nasvadi Chhota Udaipur News : કોઈપણ બીમાર વ્યક્તિ ડોક્ટર પાસે એવી શ્રદ્ધા સાથે જતો હોય છે કે એ

Nasvadi Chhota Udaipur News : કોઈપણ બીમાર વ્યક્તિ ડોક્ટર પાસે એવી શ્રદ્ધા સાથે જતો હોય છે કે એ તેને પીડામુક્ત કરી દેશે, તેના દ્વારા આપવામાં આવેલી દવા પણ તે પૂરા વિશ્વાસ સાથે લેવા લાગે છે. પરંતુ આ ડોક્ટર મેડિકલ ડિગ્રી વગર જ ક્લિનિક ચલાવતો હોવાની ખબર પડે તો તે દર્દીને માથે જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. ગુજરાતમાં આ વર્ષે બોગસ ડોક્ટર ઝડપાવવાની 1-2 નહીં પણ 10 જેટલી ઘટના સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો એકલા નસવાડી તાલુકામાં જ વિવિધ ગામડાઓમાં 9 પરપ્રાંતિયોએ નકલી ડોક્ટર બની દવાખાના ખોલી નાખ્યાં છે.
નકલી ડોક્ટરોએ કાચા મકાનોમાં દવાખાના ખોલી નાખ્યાં
નસવાડી તાલુકાના વિવિધ ગામડાઓમાં 9 પરપ્રાંતિયોએ કાચા મકાનોમાં નકલી ડોક્ટર બની દવાખાના ખોલી નાખ્યાં છે અને ગરીબ-ભોળા આદિવાસીઓના આરોગ્ય સાથે મોતની રમત રમી રહ્યા છે. આ નકલી ડોકટરો દર્દીઓને એલેપેથીક દવાઓ તેમજ ઇન્જેક્શન તેમજ બોટલો ચઢાવે છે, અમુક દર્દીઓને ઇન્જેક્શન માર્યા બાદ તે જગ્યા ઉપર પાક થઈ જાય છે આવી અનેક ઘટનાઓ બની છે.
આરોગ્ય વિભાગે માત્ર નોટિસ ફટકારી
પણ આ સમગ્ર મામલે તાલુકા આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર નોટીસ ફટકારી સંતોષ માન્યો છે. નસવાડી તાલુકામાં ગરીબ આદિવાસી લોકોના જીવ સાથે ચેડા કરનારાઓ આવા બોગસ ડોકટરોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેવા આદિવાસી પ્રજાની માંગ છે








