આણંદ: ધર્મજ ગામમાં પીવાના પાણીની લાઈનમાં 23 લીકેજ થતાં 87 લોકોને થયો કમળો, 19 હોસ્પિટલમાં દાખલ
આણંદ જિલ્લાનું ધર્મજ ગામ કમળાગ્રસ્ત ગામ બની ચૂક્યુ છે. ગુજરાતભરમાં સૌથી સમૃદ્ધ ગા

આણંદ જિલ્લાનું ધર્મજ ગામ કમળાગ્રસ્ત ગામ બની ચૂક્યુ છે. ગુજરાતભરમાં સૌથી સમૃદ્ધ ગામોમાંથી એક આણંદનું ધર્મજ ગામ છે, જ્યાં ગઈકાલે ગામમાં કમળા રોગના 20 નવા દર્દીઓ મળી આવ્યા હતા. આજના નવા આવેલા દર્દીઓનો સમાવેશ કરતા ધર્મજ ગામમાં કમળાના રોગના કુલ કેસની સંખ્યા 87 પર પહોંચી છે. ગામના અલગ અલગ વિસ્તારના કુલ 4500 જેટલા લોકોની આરોગ્યલક્ષી તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ કુલ દાખલ દર્દીઓની સંખ્યા 19 પર પહોંચી છે. લોકોને પાણી ઉકાળીને પીવા માટે જીલ્લા કલેકટરે અપીલ કરી છે.
આરોગ્યની કુલ 18 ટીમ હાલમાં જુદા જુદા પ્રકારની મેડિકલ કામગીરી કરી રહી છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ધર્મજ ગામમાં ધામા નાખ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં પીવાના પાણીની લાઈનમાં કુલ 23 લીકેજ મળી આવ્યા હતા. પંચાયત દ્વારા 13 લીકેજ રીપેર કરવામાં આવ્યા જયારે 10 લીકેજ રીપેરની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. અહીં સવાલ એ ઊભો થાય છે કે જો તંત્ર દ્વારા સમયસર લીકેજની કાર્યવાહી પૂર્ણ કરવા આવી હોત તો લોકોના આરોગ્યા સાથે ચેડાં થયા ન હોત. ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈનમાં આટલા બધા લીકેજ કેવી રીતે થાય તે પણ એક મોટો સવાલ છે જે લોકોને મુંઝવી રહ્યો છે.




