મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બાંગ્લાદેશની અરાજકતાની સીધી અસર દેખાઈ સુરતમાં, ટેક્સટાઈલના 500 કરોડના વેપારને અસર, નવા ઓર્ડર થયા બંધ

સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ આંતરરાષ્ટ્રીયસ્તરે થતી ઉથલપાથલની સીધી અસર થાય છે

બાંગ્લાદેશની અરાજકતાની સીધી અસર દેખાઈ સુરતમાં, ટેક્સટાઈલના 500 કરોડના વેપારને અસર, નવા ઓર્ડર થયા બંધ

સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ આંતરરાષ્ટ્રીયસ્તરે થતી ઉથલપાથલની સીધી અસર થાય છે. હાલ બાંગ્લાદેશમાં જે પ્રકારની રાજકીય કટોકટી ઊભી થઈ છે. તેને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. હવે આ સ્થિતિ ક્યારે સુધરશે તે અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાને કારણે ટેક્સટાઇલના ઉદ્યોગકારો મૂંજવણમાં મુકાયા છે. કારણ કે, સુરતથી સીધો 500 કરોડનો વેપાર બાંગ્લાદેશ સાથે છે. જ્યારે હાલ તો નવા ઓર્ડર પણ મળવાના બંધ થતાં વેપારીઓ મૂંજવણમા મૂકાયા છે.

ટેક્સટાઈલ ઉદ્યોગ પર અસર

બાંગ્લાદેશમાં સત્તા પલટાની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. હાલ સૈન્ય દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એકાએક જ થયેલી બાંગ્લાદેશની રાજકીય કટોકટીની સ્થિતિના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર તેની વિપરીત અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સીધી રીતે બાંગ્લાદેશ સાથે જોડાયેલો છે. પશ્ચિમ બંગાળ મારફતે પણ મોટા પ્રમાણમાં સુરતનો ગ્રે કાપડ અને રો મટીરીયલ બાંગ્લાદેશ તરફ જાય છે. અત્યારે બાંગ્લાદેશની અંદર અસ્થિરતા ઉભી થઈ છે. તેને કારણે વેપાર રોજગાર ઉપર તેની સીધી અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. બાંગ્લાદેશમાંથી જે ઓર્ડર મળી રહ્યા હતા. તે બંધ થઈ ગયા છે. જેને કારણે ઉદ્યોગ ઉપર આવે તેની માઠી અસર દેખાવાની શરૂ થશે.

પેમેન્ટ સાયકલને અસર

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ કૈલાશ હાકીમે કહ્યુ કે, બાંગ્લાદેશ સાથે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ જ મોટા પાયે જોડાયેલો છે. અંદાજે વર્ષે 500 કરોડ રૂપિયાનો વેપાર બાંગ્લાદેશ સાથે સીધી રીતે સુરત કરે છે. બાંગ્લાદેશમાં સુરતથી ગ્રે કાપડ વ્હાઇટ થઈને જાય છે. પ્રિન્ટેડ ગારમેન્ટ ફેબ્રિક, સ્ટિચ ગારમેન્ટનો વેપાર છે.  પશ્ચિમ બંગાળની નજીક જ બાંગ્લાદેશ છે એટલે ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણમાં દુર્ગાપૂજા થતી હોય છે. તેવા સમય દરમિયાન ટેક્સટાઇલ ઉદ્યોગને સારા ઓર્ડર મળતા હોય છે. પહેલાના જે ઓર્ડર હતા. તે પણ હવે પેમેન્ટ અટકી ગયા છે. પેમેન્ટની જે શરતો હોય છે. તે 60 થી 120 દિવસમાં ચૂકવવાની હોય છે. ઘણા એવા ઓર્ડર હોય છે કે જે વાયા કલકત્તા,મુંબઈ થઈને બાંગ્લાદેશ જાય છે. ફેશન અને તહેવારોને અનુરૂપ ઓર્ડર મળતા હોય છે. તે પણ નહીં જાય તો તેનું નુકસાન થાય છે. આજે પાંચ સાત દિવસ થયા છે. પરંતુ જો આ લાંબા સમય માટે આવી અરાજકતા ભરી સ્થિતિ રહેશે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગો પર તેની અસર વધુ દેખાશે.

આ સમાચાર શેર કરો