મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોટા સમાચાર: 24,700 કાયમી શિક્ષકોની થશે ભરતી, ડિસેમ્બર 2024 સુધીમાં પ્રક્રિયા કરાશે પૂર્ણ

ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કાયમી

મોટા સમાચાર: 24,700 કાયમી શિક્ષકોની થશે ભરતી, ડિસેમ્બર 2024 સુધીમાં પ્રક્રિયા કરાશે પૂર્ણ

ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઇને સરકાર હરકતમાં આવી છે. આ મુદ્દે આજે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં રાજ્યમાં 24,700 ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઇને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ ઉમેદવારો દ્વારા આંદોલન કરાયું હતું, ત્યારબાદ સરકારી ઉંઘ ઊડી હોય એવું લાગી રહ્યું છે. 

શિક્ષકોની ભરતીના નિયમો:

આજે પ્રેસવાર્તા દરમિયાન ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોના સંબંધિત પરીક્ષાના પ્રમાણપત્રની માન્યતાની અવધિ અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનાં નિર્ણયો કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, આ નિર્ણયો અનુસાર આજે જાહેર થયેલી ભરતીમાં TET-1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા TET-2 માં 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે.

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, આ ભરતી બાદ 2023માં TET-1 અને TET-2 પાસ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતાની અવધિ પ્રમાણપત્ર ઇશ્યુ કર્યાની તારીખથી 5 વર્ષ અથવા તો NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત નવું માળખું જાહેર થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે.

એટલું જ નહીં, વર્ષ-2023 પહેલા TET-1 અને TET-2 પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે. ત્યારબાદ વર્ષ-2023 પહેલાના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

વર્ષ-2023 પહેલા TET-1 અને TET-2 પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે. ત્યારબાદ વર્ષ-2023 પહેલાના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

તેમને વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના તા. 29-04-2023ના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે TAT-માધ્યમિક અને TAT-ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારો માટે વર્ષ 2023માં લેવાયેલ દ્વિ-સ્તરીય શિક્ષક અભિરૂચી કસોટીના પરિણામને જ ધ્યાને લેવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠકના આ નિર્ણયથી રાજ્યની શાળાઓમાં આ ભરતી દ્વારા પૂરતી સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થશે તેમજ યોગ્ય ઉમેદવારોને તક મળશે તેમ તેમણે જણાવ્યું હતું.

7,500 શિક્ષકોની કાયમી ભરતી કરવાનો નિર્ણય લેવાયો હતો

આ પહેલાં ગત મહિને ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. 

3500 માધ્યમિક શિક્ષકોની ભરતી કરાશે

આ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.   માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3,500 TAT-Secondary પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે.

4,000 ઉચ્ચર માધ્યમિક શિક્ષકોની ભરતી કરાશે

જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ-ઇન–એડ શાળામાં 3,250 એમ મળીને TAT-Higher Secondary ના કુલ 4,000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે.

ગુજરાતમાં ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારની ભરતી કરવાની જગ્યાએ સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતાં રાજ્યમાં 3.83 ઉમેદવારો બેકાર બેઠાં છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાની માગણી સાથે તેઓ એકાંતરે આંદોલન કરી રહ્યાં હોવા છતાં સરકાર તેમની માગણીઓને સ્વિકારી રહી ન હતી. આ ઉમેદવારોની ભરતી નહીં થતાં તેમની વયમર્યાદાનો પ્રશ્ન ઉભો થયો રહ્યો છે.

ગત વર્ષે એકપણ ભરતી થઈ નથી

રાજ્ય વિધાનસભામાં શિક્ષણ મંત્રીએ કબૂલ કર્યું હતું કે ટેટ-1 પાસ 39395 એને ટેટ-2 પાસ 235956 ઉમેદવારો છે. એ ઉપરાંત માધ્યમિકમાં ટાટ 75328, માધ્યમિક દ્વિસ્તરીય ટાટ 28307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15253 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. આમ કુલ 3.83 લાખથી વધુ ઉમેદવારોએ શિક્ષક બનવા યોગ્ય પરીક્ષાઓ પસાર કરી છે. આ સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે તેવા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે 2022માં ટેટ-1 પાસ થયેલા 2300 અને ટેટ-2 પાસ થયેલા 3378 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે, જ્યારે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં કોઈ ભરતી થયેલી નથી. એવી જ રીતે 2023માં પણ એકપણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ડેટ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી થઈ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની જગ્યાએ શિક્ષણ વિભાગે માધ્યમિક વિભાગમાં 5985 જગ્યાઓ ભરવા માટે 4138 ઉમેદવારોને જ્ઞાન સહાયકની નિમણૂક આપી છે. જ્ઞાન સહાયકમાં માસિક વેતનના પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે માધ્યમિકમાં જ્ઞાન સહાયકને પ્રતિ માસ મહિને 24000 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવે છે. શિક્ષણ વિભાગે આ નિમણૂકો નવેમ્બર 2023માં આપી હતી અને તેમને વેતન ચૂકવી દેવામાં આવ્યું છે. માસિક વેતન સમયસર મળતું નહીં હોવાનો આક્ષેપ સરકારે ફગાવી દીધો હતો.

આ સમાચાર શેર કરો