Ahmedabad: બેંગકોક જતા 2 મુસાફરો વિદેશી કરન્સી સાથે ઝડપાયા, 24 ક્લાકમાં 80 લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર

અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દાણચોરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. બેંગકોક જઈ રહેલા 2 મુસાફરો પાસેથી લાખો રૂપિયાની વિદેશી કરન્સી ઝડપી પાડવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, કસ્ટમ વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે બેંગકોક જઈ રહેલા બે મુસાફરોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમની પાસેથી વિદેશી કરન્સી મળી આવી હતી, જેની ભારતીય ચલણમાં કિંમત આશરે ₹42 લાખ જેટલી થાય છે. એરપોર્ટ પર કસ્ટમ વિભાગ છેલ્લા 24 કલાકથી એક્શન મોડમાં છે. આ અગાઉ પણ અન્ય કાર્યવાહીમાં વિદેશી ચલણ અને સોનું ઝડપાયું હતું. આમ, છેલ્લા માત્ર એક જ દિવસમાં કસ્ટમ વિભાગે કુલ ₹80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આટલી મોટી માત્રામાં વિદેશી કરન્સી ગેરકાયદેસર રીતે બહાર લઈ જવા પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું હોવાની શંકા છે. કસ્ટમ અધિકારીઓને શંકા છે કે આ નાણું વિદેશમાં ગોલ્ડ (સોનું) અને હાઈબ્રિડ ગાંજાની ખરીદી માટે 'એડવાન્સ પેમેન્ટ' તરીકે મોકલવામાં આવી રહ્યું હતું. કસ્ટમ વિભાગે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.






