મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છ: માંડવીમાં 18 તો અબડાસામાં 14 ઈંચ વરસાદ ખાબકતાં જનજીવન ઠપ

ડીપ ડિપ્રેશનની અસર તળે કચ્છના કાંઠાળ વિસ્તારમાં બારે મેઘ ખાંગ

કચ્છ: માંડવીમાં 18 તો અબડાસામાં 14 ઈંચ વરસાદ ખાબકતાં જનજીવન ઠપ

ડીપ ડિપ્રેશનની અસર તળે કચ્છના કાંઠાળ વિસ્તારમાં બારે મેઘ ખાંગા થતાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદ રહ્યો  છે. દસ તાલુકામાં એક ઈંચ થી 17 ઈંચ જેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન નોંધાયો છે. માંડવીમાં અનરાધાર 17 ઈંચ વરસાદ વરસતા જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અબડાસામાં ચૌદ, મુંદરામાં સાડા દાસ અને લખપતમાં આઠ ઈંચ જેટલો વરસાદ ખાબકતા ચારે બાજુ જળમગ્ન જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

નખત્રાણામાં સાડા છ, અંજારમાં સાડા ,પાંચ, ભુજમાં અને ગાંધીધામમાં ચાર, ભચાઉમાં અઢી અને રાપરમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. મઘ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.  કંડલા બંદરે સાવચેતીના ભાગ રૂપે ત્રણ નંબરનું સિગ્નલ યથાવત લગાડાયેલું છે.

ભારે વરસાદ વચ્ચે માંડવીના મોટા કાંડાગરા લેબર કોલોનીમાં એક મજૂરના મૃત્યુ અને 67ના બચાવ સિવાય નોંધપાત્ર ઘટના તંત્રના ઘ્યાન ઉપર આવી નથી. કાંઠા વિસ્તારના ગામેગામ પાણી ભરાયાં છે અને પ્રજાજનો માટે સ્વયંસહાયની સ્થિતિ છે. ડીપ ડિપ્રેશન આજે દરિયામાં અને કરાંચી તરફ પૂર્ણરૂપે વિદાય લેશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જો કે, તંત્રને હજુ પણ 24 કલાક સુધી હાઈએલર્ટ ઉપર રહેવા તાકીદ કરાઈ છે.

સૌરાષ્ટ્ર-કચ્છ પર ડીપ ડિપ્રેશન ગત રાત્રિના સ્થિર રહેતા ભારે વરસાદ વરસ્યો હતો. કચ્છ ઝોનમાં સૌથી વઘુ 154 ટકાથી વધુ કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજયની સાથે કચ્છમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ડીપ ડિપ્રેશન કચ્છ પર સ્થિર  થયું  છે. ભુજ થી 60 કીમી દુર ઉત્તર-પશ્વિમમાં કેન્દ્રિત થયું છે.

આ સમાચાર શેર કરો