સુરત ફાયરબ્રિગેડ આકરા પાણીએ, ફાયર સેફ્ટી વિનાની 12 હોસ્પિટલ, 15 સિનેમાગૃહ કર્યા સીલ
રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડથી સફાળા જાગેલા સરકારી તંત્રમાં સૌથી વધુ ફાયરબ્રિગેડ દોડતું થયું છે. આકરા પ

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડથી સફાળા જાગેલા સરકારી તંત્રમાં સૌથી વધુ ફાયરબ્રિગેડ દોડતું થયું છે. આકરા પાણીએ કામગીરી કરતાં ફાયરબ્રિગેડ દ્વારા દુકાનો, ટેક્સટાઈલ માર્કેટ સહિતની જાહેર જગ્યાઓ પર આડેઘડ સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાતદિવસ સીલીંગની જ કામગીરી કરતાં ફાયરબ્રિગેડ દ્વારા છેલ્લા બે દિવસમાં 12 જેટલી હોસ્પિટલ સીલ કરી દેવામાં આવી છે. વરાછા સવાણી એસ્ટેટમાં 15 થી વધુ સિનેમા થિયેટરને સીલ મારી દેવામાં આવ્યાં છે.
દર્દીઓ સાથેના વોર્ડને સીલ ન કરાયા
સુરત ફાયર વિભાગે બે દિવસમાં 12 થી વધુ હોસ્પિટલમાં સીલ મારી દેવામાં આવ્યાં છે. ફાયર સેફ્ટી, buc અને અન્ય ક્ષતિઓને ધ્યાનમાં રાખી હોસ્પિટલો સીલ કરવામાં આવી છે. વારંવાર નોટિસ આપવા છતાં ફાયરના સાધનો ઉલબ્ધ કરવામાં નહોતા આવ્યાં. જેથી કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં જે હોસ્પિટલમાં દર્દીઓ હોય તેવા વોર્ડને સીલ નથી મારવામાં આવ્યા પરંતુ દર્દીઓ ન હોય તેવા ખાલી વોર્ડને સીલ મારી દેવામાં આવ્યાં છે.
નોટિસ બાદ પણ કામગીરી ન થઈ
હોસ્પિટલ અતિસંવેદનશીલ સ્થળ હોવા છતાં ફાયરની પૂરતી સુવિધા ન ઉભી કરાઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ફાયરબ્રિગેડ દ્વારા નોટિસ આપ્યાના દિવસો બાદ રાજકોટમાં સર્જાયેલી કરુણાંતિકાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાયરસેફ્ટી ઉપલબ્ધ કરાવવામાં આવે ત્યારબાદ જ સીલ ખોલવામાં આવશે.








