સાબરકાંઠાના 11 લોકોએ 500 કિલોમીટર દૂરથી કરી દ્વારકાના પ્રાચીન શિવલિંગની ચોરી
મહા શિવરાત્રીના પર્વને એક દિવસ પહેલાં દ્વારકામાં હર્ષદ દરિયા કાંઠે હરસિધ્ધિ મંદિરમાં પ્રાચીન ભીડ

મહા શિવરાત્રીના પર્વને એક દિવસ પહેલાં દ્વારકામાં હર્ષદ દરિયા કાંઠે હરસિધ્ધિ મંદિરમાં પ્રાચીન ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી કોઈ અજાણ્યા ઈસમો શિવલિંગ ચોરી ગયા હતા. જેને લઈ ભક્તો તેમજ લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી ત્યારે મામલાની ગંભીરતા જોતા દ્વારકા જિલ્લા એસપી તેમજ તમામ પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરતા 11 જેટલા આરોપીઓને હિંમતનગર તાલુકામાંથી ઝડપી પાડ્યા હતા.
સાબરકાંઠાના 11 લોકોએ 500 કિલોમીટર દૂરથી આવી શિવલિંગની ચોરી કરી હતી. ત્યારબાદ આરોપીઓએ આ પ્રાચીન શિવલિંગની સ્થાપના પોતાના વતન સાબરકાંઠાના મિડી ટિંબામાં કરી હતી. આરોપીની ભત્રીજીને સ્વપ્નમાં આવ્યું હતું કે ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ ઘરે લાવીને સ્થાપના કરશે તો પ્રગતિ થશે. જેથી તેઓએ આ ગુનાહિત કૃત્ય આચર્યું હતું. પોલીસે આ મામલે સાબરકાંઠામાં હિંમતનગરના મિડી ટિંબા ગામના અગિયાર લોકોની અટકાયત કરી છે. દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તમામ 8 પુરુષ તેમજ 3 મહિલા આરોપીઓને તેમના ઘરેથી ચોરેલી શિવલિંગની સ્થાપના કરેલી હાલતમાં પરત મેળવી લઈ તમામ 11 આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.



