9 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી, ઘરેલુ હિંસાનો ભોગ બન્યા, છતાં અવાજથી દુનિયા જીતી; જાણો આશા ભોસલેની સંઘર્ષમય કહાણી
ભારતીય સંગીત જગત માટે આજે એક અત્યંત દુઃખદ અને ક્યારેય ન પુરાય તેવી ખોટનો દિવસ છે. સુપ્રસિદ્ધ ગાયિ

ભારતીય સંગીત જગત માટે આજે એક અત્યંત દુઃખદ અને ક્યારેય ન પુરાય તેવી ખોટનો દિવસ છે. સુપ્રસિદ્ધ ગાયિકા અને કરોડો દિલો પર રાજ કરનાર આશા ભોસલેએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનના સમાચારથી માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
9 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી
આશા ભોસલે પ્રખ્યાત થિયેટર અભિનેતા અને શાસ્ત્રીય ગાયક 'દીનાનાથ મંગેશકર'નાં પુત્રી અને સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકરનાં નાના બહેન હતા. જ્યારે તેઓ માત્ર 9 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું, જેના કારણે તેમણે તેમની બહેન લતા મંગેશકર સાથે મળીને પરિવારને ટેકો આપવા માટે ગાવાનું શરૂ કર્યું હતું.
16 વર્ષની ઉંમરે ભાગીને લગ્ન કર્યા, ઘરેલું હિંસાનો ભોગ બન્યા
માત્ર 16 વર્ષની ઉંમરે તેમણે પોતાની મોટી બહેન લતા મંગેશકરના સેક્રેટરી ગણપતરાવ ભોસલે સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. આ નિર્ણયથી માત્ર તેમનો પરિવાર જ નારાજ ન થયો, પરંતુ લતા દીદી સાથેના તેમના સંબંધોમાં પણ વર્ષો સુધી તિરાડ પડી ગઈ. સાસરામાં તેમને ઘરેલુ હિંસાનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે એક સમયે તેમને આત્મહત્યાના વિચારો પણ આવવા લાગ્યા હતા.
આજે જે અવાજની દુનિયા દીવાની છે, તેને 1947માં સંગીતકાર ખેમચંદ પ્રકાશે 'બેકાર' કહીને સ્ટુડિયોમાંથી બહાર કાઢી મૂક્યા હતા. એ સમયે ગીતા દત્ત અને લતા મંગેશકર જેવી ગાયિકાઓનો દબદબો હતો, પરંતુ આશાજીએ હાર માની નહીં. તેમણે ક્લબ સોંગ, કેબરે અને શાસ્ત્રીય સંગીત દરેક શૈલીમાં પોતાને સાબિત કર્યા. 14 ભાષાઓમાં 12,000થી વધુ ગીતો રેકોર્ડ કરવા બદલ તેમનું નામ 'ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'માં નોંધાયું છે.
આશા ભોસલેના બીજા લગ્ન સંગીતકાર આર.ડી. બર્મન (પંચમ દા) સાથે થયા હતા. આ રાહ પણ આસાન નહોતી, કારણ કે પંચમ દાના માતા આ સંબંધની સખત વિરુદ્ધમાં હતા. તેનું કારણ એ હતું કે આશાજી તેમનાથી 6 વર્ષ મોટા હતા અને ત્રણ બાળકોની માતા હતા. જોકે, અંતે 1980માં બંનેના લગ્ન થયા અને આ જોડીએ સંગીત જગતને 'દમ મારો દમ' જેવા ક્લાસિક ગીતો આપ્યા હતા.
ખૂબ ઓછા લોકો જાણે છે કે આશા ભોંસલે એક ઉત્તમ કુક પણ હતા. તેમની 'Asha's' નામે રેસ્ટોરન્ટ્સની ચેન દુબઈથી લઈને કુવૈત સુધી ફેલાયેલી છે. દિવંગત અભિનેતા ઋષિ કપૂર તેમના હાથના બનેલા કબાબના ખૂબ મોટા પ્રશંસક હતા.








