વિવાદમાં ફસાઈ મોટી વાતો કરનારી તાન્યા મિત્તલ, તેની જ સ્ટાઈલિસ્ટે લગાવ્યો આ આરોપ
ટીવીના સૌથી મોટા રિયાલટી શો બિગ બોસ 19નું તાજેતરમાં

ટીવીના સૌથી મોટા રિયાલટી શો બિગ બોસ 19નું તાજેતરમાં ફિનાલે યોજાયું હતુ. જેમાં ફાઇનલિસ્ટ તરીકે શોનો જાણીતો ચહેરો તાન્યા મિત્તલ હતી. આ તાન્યા મિત્તલ ફિનાલે પછી વિવાદમાં ફસાઈ ગઈ છે. તેની સ્ટાઈલિસ્ટ, રિદ્ધિમા શર્માએ તેના પર પેમેન્ટ ક્લિયર ન કરવાનો, કપડાં પરત ન કરવાનો તેમજ ડિઝાઇનર્સ અને સ્ટાઈલિસ્ટનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.
ગત બુધવારે એટલે કે 10 ડિસેમ્બરના રોજ, સ્ટાઈલિસ્ટ રિદ્ધિમા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી, જેમાં તાન્યા મિત્તલ પર પૈસા ન આપવાનો આરોપ લગાવ્યો. પોતાની નોટમાં, તેણે દાવો કર્યો કે તાન્યાની ટીમે તેની સાથે ખરાબ વર્તન કર્યું. રિદ્ધિમાએ આ ઘટના વિશે એક વીડિયો અને સ્ટોરી શેર કરી હતી, જેમાં તેને તાન્યા વિશે સવાલ કરવામાં આવી રહ્યા હતા.
સ્ટાઈલિસ્ટ રિદ્ધિમા શર્માનું નિવેદન
રિદ્ધિમા શર્માએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, "મેં હંમેશા દરેક ઇન્ટરવ્યુમાં તાન્યાને સપોર્ટ આપ્યો છે. તમે મારા બધા ઇન્ટરવ્યુ, મારા રેકોર્ડ કરેલા બાઇટ્સ, સેલિબ્રિટી વોટિંગ વીડિયોઝ અને સપોર્ટિંગ વીડિયોઝ જોઈ શકો છો. તેના પોતાના ઇન્ટરવ્યુમાં પણ, હું તેને સપોર્ટ કરી રહી હતી. મારી પાસેથી કપડાં સોર્સ કરાવીને, તે અમને જે એટિટ્યૂડ બતાવી રહી છે."
"શું ઈજ્જત આવી હોય છે?"
રિદ્ધિમાએ આગળ લખ્યું, "હું એક વાત સ્પષ્ટ કરી દઉં છું, ડિઝાઇનર અને સ્ટાઇલિસ્ટ વચ્ચે ઘણો ફરક છે. હું સ્ટાઇલિસ્ટ છું. આખા અઠવાડિયા સુધી, દરેક સાડી અને લહેંગા મારા દ્વારા મોકલવામાં આવતા હતા, અને તે બધા મોંઘા હતા. તમે બ્રાન્ડ્સ જાતે ચકાસી શકો છો. હજુ સુધી કંઈ પરત કરવામાં આવ્યું નથી. તેમને કપડાં ગમ્યા, પણ એક વાર પણ પ્રશંસા ના કરી અને હવે મોંઢું ચઢાવી રહી છે. અને દરજી અને ડિઝાઇનર વિશે વાત કરી રહી છે? કેવો એટિટ્યૂડ છે. એકદમ અદ્ભુત. શું ઈજ્જત આવી હોય છે?"
રિદ્ધિમાએ તાન્યાની ટીમ પર લગાલ્યા આરોપ
રિદ્ધિમાએ દાવો કર્યો હતો કે તેની ટીમે તેને એક પોશાક સોર્સ કરવા કહ્યું હતું અને ચેતવણી આપી હતી કે, "જો આજની સાડી નહીં આવે, તો પેમેન્ટ કરવામાં આવશે નહીં."
રિદ્ધિમાએ તાન્યાની ટીમ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, "આ કેવું વર્તન છે? ગઈકાલે, તેને બપોરે 1:30 વાગ્યે સિદ્ધિ વિનાયક જવાનું હતું, અને 11 વાગ્યે, મને ફોન આવ્યો કે તાન્યાને પોશાકની જરૂર છે. છતાં પણ મેં એક કલાકમાં બધું ગોઠવી દીધું. મેં પોર્ટર ડિલિવરી માટે પણ પૈસા ચૂકવ્યા. કમ સે કમ સ્ટાઇલિસ્ટ, દરજી અને ડિઝાઇનર પ્રત્યે થોડો આદર બતાવો. બિગ બોસમાં એક અઠવાડિયાનું પેમેન્ટ 50,000 હોય છે. મેં મોકલેલા બધા પોશાક મોંઘા હતા. ગઈકાલના લહેંગાની કિંમત જ 58,000 હતી, અને છતાં હું ખૂબ ઓછું ચાર્જ કરી રહી છું."
તાન્યાએ નથી કર્યું પેમેન્ટ
સ્ટાઇલિશે આગળ લખ્યું કે, "છેલ્લા બે વીકેન્ડ કા વાર આઉટફિટ્સનું શું? તે મારા હતા. તેનું પેમેન્ટ ક્યાં છે? મેં ગ્રાન્ડ ફિનાલે માટે તેના ભાઈના પોશાકને સ્ટાઇલ કર્યો હતો. તે પેમેન્ટ ક્યાં છે? ગઈકાલના પોશાકનો પેમેન્ટ ક્યાં થયો? મેં દર વખતે મારું કામ સમયસર કર્યું, અને આ વલણ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે કેવી છે. શાબાશ તાન્યા અને આખી ટીમ. ભગવાન તમારા બધાને આશીર્વાદ આપે. આભાર. હું બધા ડિઝાઇનર્સ, દરજીઓ અને સ્ટાઈલિસ્ટનો આદર અને સલામ કરું છું. ખૂબ ખૂબ પ્રેમ."
બિગ બોસ 19ની ફેમસ સ્પર્ધક હતી તાન્યા મિત્તલ
નોંધનીય છે કે, તાન્યા મિત્તલ બિગ બોસ 19માં તેની સફર માટે હેડલાઇન્સમાં રહી છે. શોમાં, તે ઘણીવાર સાડીઓ પ્રત્યેના તેના પ્રેમ વિશે વાત કરતી હતી અને વારંવાર દાવો કરતી હતી કે તે બિગ બોસના ઘરમાં લગભગ 800 સાડીઓ લાવી હતી.








