150 કરોડની ‘બંટવારા 1947’ શા માટે થઈ ફ્લોપ? 8 વર્ષ પછી કમબેક કરનાર પ્રીતિ ઝિન્ટાનું ચોંકાવનારું નિવેદન

અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ 8 વર્ષ બાદ આમિર ખાનના પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ ‘બંટવારા 1947’ દ્વારા બોલિવૂડમાં કમબેક કર્યું. સની દેઓલ આમાં તેની સાથે લીડ રોલમાં જોવા મળ્યો છે. રિલીઝ પહેલાં આ ફિલ્મથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ આ પિક્ચર બોક્સ ઓફિસ પર અપેક્ષાઓ પર ખરી ન ઊતરી અને ફ્લોપ થઈ ગઈ. ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનું બજેટ પણ વસૂલ કરી શકી નહીં. હવે પ્રીતિ ઝિન્ટાએ આ ફિલ્મ પર વાત કરી છે. તેમણે કહ્યું કે તે પોતાનું 100 ટકા આપે છે. જોકે, ફિલ્મનું શું થશે એ કંટ્રોલ કરવું પોતાના હાથમાં નથી હોતું.
પ્રીતિ ઝિન્ટા આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘વાઈબ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે કુણાલ ખેમૂ સાથે જોવા મળશે. આ જ ફિલ્મની ચર્ચા વચ્ચે પ્રીતિએ ‘બંટવારા 1947’ ફ્લોપ થવા પર રિએક્ટ કર્યું છે. તેમણે કહ્યું, “મને ફિલ્મ પર ઘણો ગર્વ છે. તેમાં મારો કામ કરવાનો એક્સપિરિયન્સ પણ શાનદાર રહ્યો. એક એક્ટ્રેસ તરીકે હું હંમેશાં અપેક્ષાઓને મેનેજ કરવાની કોશિશ કરું છું.”
પ્રીતિ ઝિન્ટાએ વધુમાં શું કહ્યું?
પ્રીતિએ આગળ કહ્યું, “જ્યારે હું કામ કરું છું, ત્યારે મારું 100 ટકા આપું છું. મેં પહેલાં પણ કહ્યું છે કે હું કર્મમાં વિશ્વાસ રાખું છું. તમે તમારું કર્મ કરો અને બાકી ભગવાન પર છોડી દો. શું થશે, તેના પર તમારો કંટ્રોલ નથી હોતો. તેથી દરેક ફિલ્મમાં જેટલી થઈ શકે, તેટલી તમે મહેનત કરો છો. હું મારું 1000 ટકા આપું છું, ત્યાર બાદ ભગવાન પર છોડી દઉં છું.”
‘બંટવારા 1947’ બજેટ અને કલેક્શન
સૈકનિલ્કના મતે ‘બંટવારા 1947’એ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર માત્ર 54.20 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. રિપોર્ટનું માનીએ તો આ પિક્ચરનું બજેટ લગભગ 150 કરોડ રૂપિયા હતું. સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા સાથે આમાં શબાના આઝમી, કરણ દેઓલ, અભિમન્યુ સિંહ અને અલી ફઝલ પણ જોવા મળ્યા છે.

