શાહરૂખ ખાનના જન્મદિવસ પર ફેન્સને મળશે ગિફ્ટ, રિલીઝ થઈ શકે નવી ફિલ્મનું ટિઝર
2023માં પઠાન ફિલ્મે ધમાલ મચાવી હતી, જેના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ

2023માં પઠાન ફિલ્મે ધમાલ મચાવી હતી, જેના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ હતા અને મુખ્ય રોલ શાહરૂખ ખાને કર્યો હતો. હવે આ જોડી ફરી એકવાર ધમાલ મચાવા આવી રહી છે. આ જોડી ગેંગસ્ટર એક્શન થ્રિલર "કિંગ" લઈને આવી રહી છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે સિદ્ધાર્થ આનંદ શાહરૂખના જન્મદિવસ પર "કિંગ"નું ટીઝર સાથે ટાયટલ રિલીઝ કરી શકે છે.
કિંગ ખાનના ખાસ દિવસે ફેન્સને ગિફ્ટ મળી શકે
જણાવી દઈએ કે, આવતીકાલે 2 નવેમ્બરના રોજ બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનનો જન્મદિવસ છે. તેનો જન્મ 1965માં 2 નવેમ્બરના રોજ દિલ્હીમાં થયો હતો. ત્યારે કિંગ ખાનના આ ખાસ દિવસ પર તેના ફેન્સને ભેટ મળી શકે છે. તેમને શાહરૂખની નવી ફિલ્મની એક ઝલક જોવા મળી શકે છે.
"કિંગ" ક્યારે રિલીઝ થશે?
"કિંગ"નું નિર્માણ 2026ના મધ્ય સુધીમાં પૂર્ણ થઈ શકે છે, નિર્માતાઓ 2026ના અંતમાં અથવા 2027ની શરૂઆતમાં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને માર્ફ્લિક્સ પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત, "કિંગ" માં દીપિકા પાદુકોણ, સુહાના ખાન, અભિષેક બચ્ચન, અરાઈઝ, જયદીપ અહલાવત, અહલા વારસી મુખર્જી, અનિલ કપૂર અને અભય વર્મા પણ છે.
હવે આવતીકાલે જાણવા મળશે કે, "કિંગ"નું ટિઝર રિલીઝ કરવામાં આવશે કે નહીં. બીજી તરફ કિંગ ખાનના ચાહકો તેને એડવાન્સમાં જ જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. સાથે તેની નવી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.








