પાન મસાલા એડ વિવાદ: FDAની નોટિસ સામે બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા એક્ટર અજય દેવગણ

બોલિવૂડ એક્ટર અજય દેવગણે પાન મસાલાની જાહેરાત કરવા બદલ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) તરફથી મળેલા લીગલ નોટિસને બોમ્બે હાઈકોર્ટમાં પડકારી છે. અજય દેવગણે પોતાની અરજીમાં FDAના નિયમોની બંધારણીય વૈધતા પર સવાલ ઉઠાવ્યા છે. તેમનો તર્ક છે કે જાહેરાતમાં એક્ટર તરીકે કામ કરવા માટે સીધા તેમને નોટિસ આપવી ખોટી છે. આ મામલામાં કાર્યવાહીની જવાબદારી જાહેરાત આપતી કંપની અને ઉત્પાદકની હોવી જોઈએ, ન કે એક્ટરની.
અજય દેવગણની અરજી પર 4 નવેમ્બરે બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની ડિવિઝન બેંચમાં સુનાવણી થવાની સંભાવના છે. આ મામલામાં FDA કમિશનર તુકારામ મુંઢેએ શુક્રવારે જણાવ્યું હતું કે તપાસ પૂરી થઈ ગઈ છે, જેમાં સ્પષ્ટ છે કે અજય દેવગણ, શાહરૂખ ખાન અને ટાઈગર શ્રોફે રાજ્યના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. હવે મામલો આગામી અઠવાડિયે જોઈન્ટ કમિશનર પાસે મોકલવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ અધિકારીઓ બિન-ગુનાહિત મામલાઓમાં લાંબી અદાલતી કાર્યવાહી વગર દંડ ફટકારી શકે છે.
જાણો શું છે પાન મસાલા એડ વિવાદ?
આરોપ- એલચીની આડમાં પાન મસાલાનો પ્રચાર કર્યો
મહારાષ્ટ્ર FDAએ ઓગસ્ટ 2026માં અજય દેવગણ ઉપરાંત શાહરૂખ ખાન અને ટાઈગર શ્રોફને પણ વિમલ એલચીની જાહેરાતને લઈને શો-કોઝ નોટિસ જારી કરી હતી. વિભાગનો આરોપ છે કે વિમલ એચલીના નામે બતાવવામાં આવતી જાહેરાતો વાસ્તવમાં વિમલ પાન મસાલાનું સરોગેટ પ્રમોશન છે.
મહારાષ્ટ્રમાં તમાકુ કે નિકોટિનયુક્ત પાન મસાલા અને ગુટખા પ્રતિબંધિત છે. આ સ્થિતિમાં FDAનું કહેવું છે કે એલચીની જાહેરાતમાં ઉપયોગમાં લેવાયેલું એકસરખું બ્રાન્ડ નામ, લોગો, પ્રસ્તુતિ અને ડાયલોગ લોકોની વચ્ચે વિમલ પાન મસાલાની ઓળખને જાળવી રાખે છે. જેનાથી પ્રતિબંધિત ઉત્પાદનનો અપ્રત્યક્ષ પ્રચાર થાય છે.
FDAએ ત્રણેય એક્ટર્સને જાહેરાતમાં તેમની ભૂમિકા સ્પષ્ટ કરવા, એન્ડોર્સમેન્ટ કોન્ટ્રાક્ટ અને ચુકવણી સાથે જોડાયેલી માહિતી આપવા કહ્યું હતું. વિભાગે જાહેરાત હટાવવા અને આગળ તેના પ્રચારમાં સામેલ ન થવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
અજયની અરજી છતાં ચાલુ રહેશે કાર્યવાહી
આ પહેલાં વિમલ ઉત્પાદનની નિર્માતા કંપની PB Agroએ ઓગસ્ટમાં દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવીને મહારાષ્ટ્ર FDAની નોટિસ રદ કરવાની માંગ કરી હતી. જોકે, દિલ્હી હાઈકોર્ટે ક્ષેત્રાધિકારનો હવાલો આપીને અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે મામલો મહારાષ્ટ્ર FDAની કાર્યવાહી સાથે જોડાયેલો છે, તેથી તેની સુનાવણી મહારાષ્ટ્રની અદાલતમાં થવી જોઈએ.
આ પછી હવે અજય દેવગણે બોમ્બે હાઈકોર્ટના દરબાજા ખખડાવ્યા છે. જોકે, તેમના કોર્ટમાં જવા છતાં FDA તરફથી શરૂ કરવામાં આવેલી વિભાગીય કાર્યવાહી પર હાલ રોક લાગી નથી.
ઘણા વર્ષોથી વિમલની જાહેરાતો કરી રહ્યા છે અજય
અજય દેવગણ ઘણા વર્ષોથી વિમલની જાહેરાતો સાથે જોડાયેલા છે. વર્ષ 2022માં જ્યારે તેમને પાન મસાલાની જાહેરાતને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે આ તેમની વ્યક્તિગત પસંદગી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તે પાન મસાલા નહીં, પરંતુ એલચીની જાહેરાત કરી રહ્યા છે.
અજયે એમ પણ કહ્યું હતું કે જો કોઈ ઉત્પાદનને ખોટું કે નુકસાનકારક માનવામાં આવે છે, તો તેનું વેચાણ કરવું જ ન જોઈએ. માત્ર જાહેરાતને જવાબદાર ઠેરવવાના બદલે આવા ઉત્પાદનોના વેચાણ પર રોક લાગવી જોઈએ.











