મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

UP MLC ચૂંટણીમાં મોટો ખેલ! 11માંથી 6 બેઠકો જીતીને પણ ભાજપ ટેન્શનમાં, સપાની જબરદસ્ત એન્ટ્રીથી 2027નું સમીકરણ બગડ્યું?

UP MLC ચૂંટણીમાં મોટો ખેલ! 11માંથી 6 બેઠકો જીતીને પણ ભાજપ ટેન્શનમાં, સપાની જબરદસ્ત એન્ટ્રીથી 2027નું સમીકરણ બગડ્યું?
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ (MLC)ની શિક્ષક અને સ્નાતક મતવિસ્તારની 11 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને સમાજવાદી પાર્ટી (SP) વચ્ચે ભારે રસાકસી અને કાંટાની ટક્કર જોવા મળી છે. પરિણામોમાં ભાજપે 6 બેઠકો જીતીને પોતાનો જૂનો આંકડો જાળવી રાખ્યો છે, જ્યારે સમાજવાદી પાર્ટીએ જોરદાર પ્રદર્શન કરીને મજબૂત પકડ દર્શાવી છે. જોકે, ગઢ ગણાતી સીટો પર સપાની મજબૂત સેંધમારીએ વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપની ચિંતાઓમાં મોટો વધારો કરી દીધો છે.

ચૂંટણી યોજાયેલી 11 બેઠકોમાંથી 5 સ્નાતક (Graduates) અને 6 શિક્ષક (Teachers) ક્વોટાની બેઠકો હતી. શિક્ષક બેઠકો પર ભાજપે 4 અને સપાએ 2 બેઠકો જીતી છે. જ્યારે સ્નાતક ક્વોટામાં સમાજવાદી પાર્ટીએ ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં આકરી લડત આપીને 2 બેઠકો જીતી લીધી છે અને વારાણસી બેઠક પર આગળ રહીને ભાજપને મોટો પડકાર ફેંક્યો છે.

ભાજપના વિજેતા ઉમેદવારો

લખનૌ શિક્ષક બેઠક પરથી ઉમેશ દ્વિવેદી ત્રીજી વખત જીત્યા છે. મેરઠમાં ભાજપે શિક્ષક અને સ્નાતક બંને બેઠકો કબજે કરી છે (શિક્ષક બેઠક પરથી શ્રીચંદ શર્મા અને સ્નાતક પરથી દિનેશ ગોયલ વિજેતા). આ ઉપરાંત બરેલી-મુરાદાબાદ શિક્ષક બેઠક પરથી ડૉ. હરિ સિંહ ઢિલ્લોં, આગ્રા સ્નાતક બેઠક પરથી ડૉ. માનવેન્દ્ર પ્રતાપ સિંહ અને સીએમ યોગીના ગઢ ગણાતા ગોરખપુર-ફૈઝાબાદ શિક્ષક બેઠક પરથી ધ્રુવ ત્રિપાઠીએ રસાકસીભરી લડતમાં વિજય મેળવ્યો છે.

સમાજવાદી પાર્ટીની આગેકૂચ

સમાજવાદી પાર્ટીએ વારાણસી-મિર્ઝાપુર શિક્ષક બેઠક પરથી લાલ બિહારી યાદવને જીત અપાવી છે. ઉપરાંત ઝાંસી સ્નાતક અને વારાણસી સ્નાતક બેઠક પર આશુતોષ સિન્હાની લીડ સાથે સપાએ પોતાનો દબદબો સ્થાપિત કર્યો છે.

ભાજપ માટે કેમ વધી ચિંતા?

શિક્ષિત, મધ્યમવર્ગીય અને પ્રબુદ્ધ વર્ગ ગણાતા શિક્ષકો અને સ્નાતકોના મતવિસ્તારમાં હંમેશા ભાજપનું વર્ચસ્વ મનાતું આવ્યું છે. પરંતુ આ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ PDA (પછાત, દલિત, અલ્પસંખ્યક) ફોર્મ્યુલા સાથે શિક્ષિત વર્ગમાં પણ મોટા પાયે ઘૂસણખોરી કરી છે. આગ્રા, વારાણસી અને લખનૌ જેવા વિસ્તારોમાં સપાને મળેલું આ સમર્થન દર્શાવે છે કે 2027 ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં જમીની રાજકીય માહોલમાં અખિલેશ યાદવ ભાજપ માટે મોટો પડકાર બનીને ઊભરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો